ગઝલ : નિર્મિશ ઠાકર

 

 

દ્રશ્યોમાં એકધારી, ભાષા નથી તો શું છે ?
ખુલ્લી રહેલ બારી, ભાષા નથી તો શું છે ?

ભીના ભરેલ ભાવે સૌંદર્ય થઇ ગયેલી -
ફૂલો ભરેલ ક્યારી, ભાષા નથી તો શું છે ?

કાળી સડક પરે જે પ્રસ્વેદથી લખાતી,
મઝદૂર-થાક-લારી, ભાષા નથી તો શું છે ?

ડૂબી શકે બધુંયે જેની હ્રદયલિપિમાં,
અશ્રુસમેત નારી, ભાષા નથી તો શું છે ?

ફૂટપાથની પથારી, ભૂખ્યું સૂતેલ બાળક,
ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે ?

જૂના જ શબ્દમાં કૈ પ્રગટાવજો અપૂર્વ,
એ માગણી તમારી, ભાષા નથી તો શું છે ?

એના હ્રદય મહીં જે અનુવાદ થઇ શકી ના,
આ વેદના અમારી, ભાષા નથી તો શું છે ?

- નિર્મિશ ઠાકર

 

નિર્મિશભાઈ એટલે ગણપત હુરટી પણ આજે તેમનાં જન્મદિને તેમની એક અલગ જ પ્રતિભા ઉપસાવતી મારી પ્રિય ગઝલ. આમ તો ભાષા એટલે કાનોને સંભળાતી વાણી કે આંખોથી વંચાતી કલમ એક સીધી સાદી વિભાવના. પણ નિર્મિશભાઈ વાત લઈને આવ્યાં છે હૃદયલિપિની…..પણ તેના માટે મત્લાના શેરમાં કહી દીધું એમ, મનની બારી ખુલ્લી રાખવી પડે તો જ દ્રશ્યોની ભાષા પામી શકાય અને ફૂલો ભરેલ ક્યારીની ભાષા ઉકેલી શકાય. તો કાળી સડક પર મજૂરનાં પ્રસ્વેદની લિપિ આપણે ઉકેલી શક્યાં છીએ ? અને હમણાં જ વીમેન્સ ડૅનાં નારીવિષયક અછાંદસમાં નિર્મિશભાઈએ સ્ત્રી પોતાનાં ઘરની શોધમાં તે જ ઘર  અશ્રુનું બની ગઈ તેવી નારીસંવેદનાની લિપિને પણ કેટલી સુંદર રીતે ઉકેલી છે.  ફૂટપાથની સાથે અટારી શબ્દ સમાજમાં પ્રવર્તિત આર્થિક પરિસ્થિતિ જેટલો જ ચોટદાર વિરોધાભાસ ઉપજાવી ભૂખ્યા સૂતેલ બાળકની નહિં આપણી ઉંઘ ઉડાડી દે છે. આ બધીય વેદનાનો અનુવાદ ચોક્કસ આપણા હૃદય મહીં થઈ શકે તેવી કલમનાં બાદશાહને જન્મદિને ખૂબ ખૂબ અભિનંદન અને હા… Indian Expressમાં તેમના વિશેનો એક લેખ જરુર વાંચશો અને તેમની પોતાની વૅબસાઈટની પણ મુલાકાત એક નવા જ નિર્મિશભાઈની ઓળખ કરાવશે.  અને વૅબમહેફિલમાં તેમનાં અન્ય કાવ્યો …..

 

 

.


5 Comments to “ગઝલ : નિર્મિશ ઠાકર”

  1. આ ગઝલ તમારી, ભાષા નથી તો શું છે?

    જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ નિર્મિશભાઈ !

  2. જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ…

    મહેફિલનું નામ કેક-કેન્ડલ કરી દેવા જેવું નથી? બધા સાહિત્યકારોના જન્મદિવસ યાદ કરી કરીને રચનાઓ મૂકો છો… વાહ! એક અનૂઠી ભાત પડી રહી છે…

  3. ભલે પહેલી વાર વાંચી તમારી આ ગઝલ આજે ભાષામાં.
    આજ સુધી વાંચતો રહ્યો તે આ ગઝલ ન હતી તો શું છે?

  4. sudhir Patel says:

    શ્રી નિર્મિશભાઈને જન્મ-દિન અને સુંદર ગઝલ બદલ બેવડાં અભિનંદન!
    સુધીર પટેલ.

  5. શ્રી નિર્મિશભાઈને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ સાથે,સુંદર ગઝલ બદલ પણ અભિનંદન.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME