બે ટ્રાયોલૅટ : નિર્મિશ ઠાકર

triolet

: મને ના માપ :

ફ્રેમમાં બેસી જનારા ચિત્ર જેવો હું નથી.
બ્હારના આકાર રાખીને મને ના માપ તું.
જો મને, છોડીને દ્ર્ષ્ટિ રોજના વ્યવહાર શી,
ફ્રેમમાં બેસી જનારા ચિત્ર જેવો હું નથી.
કૈં હદોની પારથી અંદર છતાંયે બ્હારથી,
જો રચું આશ્ચર્ય ના, તો બોલ મારું કામ શું ?
ફ્રેમમાં બેસી જનારા ચિત્ર જેવો હું નથી.
બ્હારના આકાર રાખીને મને ના માપ તું. 

: હે કવિ ! :

પ્યાસ આખા વિશ્વની આપી તને
હે કવિ, તારે બીજું શું જોઈએ ?
મૃગજળોમાં શબ્દ-મૃગ દોડાવને !
પ્યાસ આખા વિશ્વની આપી તને
છોડ પૃથ્વી, ઊડતો જા કલ્પને !
પ્યાસમાં તું પી જાજે આકાશને !
પ્યાસ આખા વિશ્વની આપી તને
હે કવિ, તારે બીજું શું જોઈએ ?

- નિર્મિશ ઠાકર

ગઈકાલે જ નિર્મિશભાઈની ગઝલ આપણે માણી આજે વાત કરવી છે ટ્રાયોલેટની.  જેનો સ્પેલિંગ TRIOLET છે પણ ફ્રેંચ ઉચ્ચાર ટ્રીલટ કરવામાં આવે છે.  ટ્રાયોલેટ એ ૧૩મી સદી – મધ્યકાલીન ફ્રેંચ સાહિત્યમાં ઉદ્ ભવેલો કાવ્યપ્રકાર છે. 

સ્વરૂપ : 
આ કાવ્યપ્રકાર આઠ પંક્તિ ધરાવે છે.
“A B a A a b A B ” તે તેનું બંધારણ સ્વરૂપ છે. જેમાં-
પ્રથમ પંક્તિ – A
દ્વિતીય પંક્તિ – B
તૃતીય પંક્તિ – a ( પ્રથમ પંક્તિ સાથે પ્રાસ કરતી પંક્તિ)
ચતુર્થ પંક્તિ – A ( પ્રથમ પંક્તિનું પુનરાવર્તન )
પંચમ પંક્તિ – a (  પ્રથમ પંક્તિ સાથે પ્રાસ કરતી પંક્તિ )
ષષ્ટમી પંક્તિ – b ( દ્વિતીય પંક્તિ સાથે પ્રાસ કરતી પંક્તિ )
સપ્તમ પંક્તિ – A ( પ્રથમ પંક્તિનું પુનરાવર્તન )
અષ્ટમી પંક્તિ – B ( દ્વિતીય પંક્તિનું પુનરાવર્તન )

પ્રથમ પંક્તિનો અંતિમ શબ્દ અને તૃતીય પંક્તિનો અંતિમ શબ્દ પ્રાસ કરતો હોવો જરૂરી છે.  તેવી જ રીતે, દ્વિતીય પંક્તિનો અંતિમ શબ્દ અને છઠ્ઠી પંક્તિનો અંતિમ શબ્દ પ્રાસ કરતો હોવો જરૂરી છે.

નિર્મિશઅંકલ સાથે વાત થઈ તે મુજબ, ટ્રાયોલૅટ ફ્રેંચ ઉપરાંત અંગ્રેજી, ઉર્દૂ, ફારસી, પંજાબી, સિંધી જેવી ભાષાઓમાં પણ રચાયાં છે.  ભૂતકાળમાં શ્રી જમિયત પંડ્યાએ તેને સિંધી પ્રકાર અપનાવી “તેઓને પૂછ !” ને ગઝલનાં રદ્દીફની જેમ ટ્રાયોલૅટ રચવા પ્રયત્ન કર્યો છે. પણ જો રદ્દીફ વિના માત્ર કાફિયા કે હમકાફિયાનો ઉપયોગ કરવાથી ટ્રાયોલૅટનું મૂળ સ્વરૂપ વધુ સાચવી શકાય છે. હાઈકુ અને સૉનેટની જેમ આ નવ્યપ્રકાર પણ એનાં મૂળ છંદશાસ્ત્રને સ્વીકાર્યા વિના, આપણે ત્યાં પ્રચલિત સંસ્કૃત અથવા ગઝલનાં છંદોમાં સ્વીકાર્ય અને સ્થિર બની શકે તેમ છે.  આ સાથે સર્જકો અને અભ્યાસુઓને વધુ રસ લેવા વિનંતી.  વધુ માહિતી માટે આપ પ્રતિભાવ વિભાગમાં પૂછી શકો છો અને તે અંગે નિર્મિશભાઈ જરૂર માર્ગદર્શન આપશે.  જો કે પહેલાં તો આપણે નિર્મિશભાઈને ફોઇબા બનવાનું કહી આ કાવ્યપ્રકારનું ગુજરાતી નામકરણ કરવાનું કહીશું ?!! 

આ સાથે વીકીપિડીયા પર તે વિશે જરૂર વાંચશો અને ક્લાસિક ગણી શકાય તેવું થોમસ હાર્ડીનું આ ટ્રાયોલૅટ પણ…. 

 

 

.


the attachments to this post:

triolet
triolet


10 Comments to “બે ટ્રાયોલૅટ : નિર્મિશ ઠાકર”

  1. આપણે વિશ્વસાહિત્ય પાસે ENGLISH દ્વારા જ જઇએ છીએ, એટલે ‘ટ્રાયોલેટ’ બોલવુ જ ઠીક ગણાય .ટ્રાયોલેટ English દ્વારા જ વિશ્વમા પ્રસર્યા છે,એટલે વ્યવહારિક ઉચ્ચાર એ જ બરાબર લાગે છે.જેમ ઉન્ઝા જોડણીમા તર્ક છે,પણ વ્યાવહારિકતા નથી,માટે એ સર્વસ્વીક્રુત બનતી નથી.સોનેટનો સાચો ઉચ્ચાર ‘સ્યુનીત’ છે ,પણ એમ ન બોલાવાનુ કારણ ENGLISH છે,ઉ હાચુ કે’ટો છુ…બસ વાટ પૂરી !

  2. નવા કાવ્યપ્રકાર વિશે નવું જાણવાનું મળ્યું.
    ખૂબ સુંદર માહિતી… આભાર નિર્મિશભાઈ !

    આભાર પિંકી…!

  3. જય શ્રીકૃષ્ણ પિન્કીબેન,

    આજે એક નવા જ પ્રકારના કાવ્યપ્રકાર અને તેના વિશે માહિતી મળી, અને મારા જ્ઞાનમાં વધારો થયો.
    આભાર નિર્મિશભાઈ અને પિન્કીબેન.

  4. મજાના ટ્રોયોલેટ્સ…

    આભાર…

  5. નિર્મિશભાઈના હસ્તાક્ષરમાં લખાયેલી કવિતા વંચાતી નથી… ફોટોગ્રાફ ક્લિક કરીને એન્લાર્જ કરી શકાય એવું ન કરી શકાય?

  6. પિંકીબેન,
    ગુજરાતી સાહિત્ય માટે આ પ્રકાર વણખેડાયેલો છે. જો આવી કોઈ રચના સ્વરબદ્ધ થઈ હોય અને એ કર્ણપ્રિય લાગે તો પછી આપોઆપ એ ગમવા માંડે. બાકી આંખોને જે રીતે ગીત કે ગઝલ વાંચવાની ટેવ પડી હોય તેને આ કૃતિ વાંચતા જરા કઠે. પરંતુ નિર્મિશભાઈને આ પ્રયોગ બદલ અભિનંદન. બાકી ભાવોની અભિવ્યક્તિ માટે શબ્દોનું કે માળખાનું ક્યાં બંધન હોય છે .. એ તો જે માળખામાં બેસે તે ખરાં.

  7. હા, આ ટ્રીલેટ અને ટ્રાયોલેટની મથામણમાં એ તો લખવાનું રહી જ ગયું …
    મૃગજળોમાં શબ્દ-મૃગ દોડાવને,
    પ્યાસ આખા વિશ્વની આપી તને … ખુબ ગમ્યું.

  8. sudhir patel says:

    ફ્રેન્ચ કાવ્ય-પ્રકારને ગુજરાતીમાં ઊતારવા બદલ શ્રી નિર્મિશભાઈનો અને
    એની જાણ કરવા બદલ પીન્કીબેનનો હાર્દિક આભાર અને બન્નેને અભિનંદન!
    સુધીર પટેલ.

  9. Suresh Jani says:

    Good new info.
    Liked the first triolet vey much.

  10. nihil macwan says:

    i loved your triolet.its nice info. about it thank u nirmish sir

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME