ગઝલ : નીતિન વડગામા

 

આવ-જા અમથી બધાંની થાય છે,
શ્વાસ પણ એમ જ અહીં લેવાય છે.

વાત જુદી છે અધૂરા પાત્રની,
કોઈ દરિયો ક્યાં કદી છલકાય છે ?

જીવ પામર પામવા મથતો રહે,
એ પદારથ તો ય ક્યાં પકડાય છે ?

આંખમાંથી કેટલું ભૂંસવું પડે -
આંખ પંખીની પછી દેખાય છે.

સ્હેજ અજવાળું નથી થાતું અને,
કૈંક ડહાપણ દીવડા બુઝાય છે !

કોઈ પરપોટો નથી કાયમ અહીં,
આખરે એ સત્ય પણ સમજાય છે.

સાવ કોરા કાગળો વાંચ્યા પછી
અક્ષરોનો મર્મ કૈં પકડાય છે !

- નીતિન વડગામા

 

જિંદગી એટલે શ્વાસ અને ઉચ્છવાસની વચ્ચે ઘટતી એક ઘટના…..બાળક જન્મે તો આપણે કહીએ ધરતી પર પહેલો શ્વાસ લીધો અને જો કોઈનું મૃત્યુ થાય તો શ્વાસ છોડ્યો એમ કહેવાય. પણ શું જિંદગી શ્વાસોચ્છવાસની એક પ્રક્રિયા માત્ર છે, ખરી ?  તો પરપોટા જેવી જિંદગીનું સત્ય શું ?  નીતિનભાઈ કહે છે એમ, સાવ કોરા કાગળ વંચાય તો આ ‘અક્ષર’નો મર્મ પકડાય.  પણ તેને માટે મન પણ કોરા કાગળ જેવું જોઈએ. માત્ર પંખીની આંખ જોવા તેની આસપાસનું બધુંય ભૂંસવું પડે તો જિંદગીનાં સત્યને એ ‘પદારથ’ને પામવા પામર જીવને કેટલું ભૂંસવું પડે ?!!  પણ આપણે તો અધૂરા પાત્ર એટલે છલકાઈ જઈએ તો વળી અજવાળું પામીએ તો ડહાપણનાં દીવડા ત્યાં જ બૂઝાય પણ જાય…. સીધાં-સાદાં સરળ શબ્દોમાં ઊંડા અર્થગહનવાળી નીતિનભાઈની આ ગઝલ જરૂર માણવી ગમશે.

 

 

.


4 Comments to “ગઝલ : નીતિન વડગામા”

  1. સુંદર મજાની ગઝલ… ગઝલનો મર્મ પણ આપે સરસ પકડ્યો છે, પિંકીબેન…

  2. Govind Maru says:

    નીતીનભાઈ વડગામાની ગઝલ ખુબ જ ગમી અને માણી.

  3. dilip says:

    Pinkiben, nice gazal of Nitin vadgama,,thanks for visiting my site
    I would like to invite you to listen mothers day song…
    સત્ય તો કાયમ રહે છે હરઘડી ખોટા પરપોટા જ ફૂટી જાય છે…
    આપનો બ્લોગ બહું જ સુંદર લાગ્યો.

  4. sudhir patel says:

    સુંદર ગઝલ માણવાની મજા આવી.
    સુધીર પટેલ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME