eમાણસ છું : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
હૈયે તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું,
હું મારા ડાબે હાથે ક્યાંક મૂકાઈ ગયેલો માણસ છું.
સૌ જાણે છે કે ચાવું છું પાન હંમેશા મઘમઘતાં,
હર પિચકારીમાં રોજ અહીં થૂંકાઈ ગયેલો માણસ છું.
પાણીમાં પડેલા કાગળના અક્ષર જેવા છે શ્વાસ બધાં,
જીવું છું ઝાંખુંપાંખું હું ભૂંસાઈ ગયેલો માણસ છું.
પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,
કંઈ એવી તરસથી રણ જેવું સૂકાઈ ગયેલો માણસ છું.
ક્યારેક એવું પણ લાગે છે આ વસ્તીમાં વસનારાને,
એક સાવ બજારુ ઓરત છું ચૂંથાઈ ગયેલો માણસ છું.
સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન,
કોને કહેવું હું મારાથી રીસાઈ ગયેલો માણસ છું.
- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
ઘણીવાર આપણે કોઈ અગત્યની વસ્તુ વધુ યોગ્ય જગ્યાએ મૂકવાના પ્રયત્નમાં તેને ક્યાં મૂકી તે જ ભૂલી જતાં હોઈએ છીએ. રાજેશભાઈ પણ આ ગઝલમાં ડાબા હાથે મૂકાઈ ગયેલાં ‘માણસ’ને શોધવાનો પ્રયત્ન કરતાં હોય તેવું નથી લાગતું ?!! અને તે પણ આપણે જાતે જ ખોઈ નાંખેલો. થોડી નિષ્ફળતા, થોડી નિરાશા, થોડી વિષમ પરિસ્થિતિથી જિંદગી પ્રત્યે નકારાત્મક અભિગમ અપનાવી લઇએ તો શું પરિસ્થિતિ અનુકૂળ થઈ જશે ? ના…. તો તો દુનિયા રાજેશભાઈ કહે છે એમ, પાન ચાવીને થૂંકતાં હોય તેમ તમને થૂંકી દેશે. ઝાંખુંપાંખું જીવતા માણસને દુનિયા પૂરો મરવા પણ નથી દેતી.
ખરેખર તો આપણે મક્તાના શેરમાં કહે છે એમ, આપણા ખુદથી જ રિસાઈ ગયેલા માણસ છીએ. આપણે ખુદથી જ હારી ગયા છીએ. ગોખી ગોખીને યાદ કરેલાં ગીતાનાં શ્લોક પણ આવી પરિસ્થિતિમાં યાદ સુદ્ધાં નથી આવતાં અને ત્યારે ‘માણસ’ ખુદ પોતાના જ ડાબા હાથે ક્યાંક મૂકાઈ જાય છે. પણ આ સંજોગોમાં પોતાનાથી કે પરિસ્થિતિથી રિસાયા વિના – નિરાશ થયા વિના કર્મયુદ્ધ કરતાં રહીશું તો કદાચ જીતી જઈશું જિંદગીનો આ જંગ..!!
.

‘મિસ્કીન’ની સુંદર ગઝલ, ફરી અહીં માણવાની મજા આવી.
સુધીર પટેલ.
એક મિત્રને મેઈલ લખતી વખતે રાજેશભાઈની આ ગઝલનો મત્લા ટાંકવાનો વિચાર આવ્યો. ગુગલ સર્ચ પર અડધી કડી યાદ હતી એ મૂકી અને વેબમહેફિલનું નામ સર્ચ પર સહુથી ઉપર આવ્યું… એ ગઝલ ખુલી એટલે મિત્રને મેઈલ લખવાનું કામ તો પતાવી દીધું પણ પછી થયું કે શનિ-રવિ ગયાને એક દિવસ થઈ ગયો એટલે નવી રચના અહીં પ્રકાશિત થઈ હશે. ફરી ફરીને વેબમહેફિલના હોમપેજને રીફ્રેશ કર્યા કર્યું પણ આની આ જ ગઝલ નજરે ચડી… પહેલાં તો થયું કે મારા સર્વરમાં કંઈક ગરબડ થઈ છે પણ પછી ખ્યાલ આવ્યો કે અરે ! આ રચના જ તો અહીં લેટેસ્ટ છે…
કેવો જોગાનુજોગ !
મિસ્કીનસાહેબની આ ઉત્તમ રચના હજી સુધી અન્ય કોઈ બ્લૉગ પર છે જ નહીં… ‘લયસ્તરો’ પર ભવિષ્યમાં વાપરવા માટે પરવાનગી લઈ લઉં???
વિવેકભાઈ,
હવે તમે કહેલી વાત પરથી તો એવું લાગે કે,
આ ગઝલ તમારા એ મિત્ર માટે જ યોગાનુયોગ મૂકાઈ ગઈ.
કારણ publishનું બટન ક્લીક ના થાય ત્યાં સુધી ગઈકાલે કઈ રચના મૂકું
તે નક્કી જ ન’તું. હાથ સાથ આપે તો મૂકાય એવું જ છે હજી …
પણ વળી ધીમે ધીમે type કરી મૂકી દીધી.
વૅબમહેફિલ પર પૂર્ણ હક સાહિત્યકારો અને વાંચકોનો જ છે
એમાં મારી પરવાનગી લેવાની જરૂર જ ન હોય.
જેને મહેનત કર્યા વિના ઉઠાંતરી માત્રથી પોતાનો બ્લૉગ સજાવવો છે
તેમને મહેનત કરવા પ્રેરવા છે જેથી તેઓ જાતે પણ વધુ ગુજરાતી
સાહિત્ય વાંચે અને પોતે પણ ઉત્તમ સાહિત્યની પસંદગી કરી આપણી સાથે શૅર કરે.
Reminded of Nazir Dekhaiya’s Gazal with same radif/ kafiya
बहोत खूब … !!!