ગઝલ : એસ.એસ.રાહી
મેલું ઘેલું ફળિયું દે,
સાવ તૂટેલું નળિયું દે.
દૂર રહું ભારે નજરોથી,
એવું બસ માદળિયું દે.
પરવા કયાં છે ઉંચાઇની,
પોચું પોચું તળિયું દે.
ધોધમાર તો માત્ર કલ્પના,
હવામાન વાદળિયું દે.
છીનવી લે તમરાનું દળ,
અંધારું ઝળહળિયું દે.
છો ને તરસ્યો છું જીવનમાં,
મૃત્યુ ગંગાજળિયું દે.
- એસ.એસ.રાહી
કોઇ પણ આમ આદમીનું સપનું બસ એક નાનકડું ઘર ને ઘર આગળ એક નાનકડો બગીચો. પણ કવિનું સપનું એટલું આમ નથી. તેના ઘરનું આંગણું બહુ સજાવેલું નહિં હોય ને મેલુંઘેલું ફળિયું હશે તો પણ ચાલશે અને છત પર તૂટેલું નળિયું પણ. હા, બહુ ભારે નજરોથી બચાવવા એક માદળિયું જરુર ઈશ્વર પાસે માંગે છે. તો એને ટોચ પર પહોંચવાની પણ તાલાવેલી નથી. પણ જે ‘ધરતી પર પગ મૂકી’ તે ચાલે છે તેને થોડી સુંવાળી રાખવાની એક નાનકડી અરજ છે. ધોધમાર સુખનો વરસાદ નહિં વરસે તો કઈ નહિં પણ આ છાંયડા વિનાના તડકા વેઠાય એમ નથી તો હવામાન વાદળિયું આપજે. ભલે સુખનો સૂરજ ના ઊગે પણ આ ઘોર અંધારું તો ઝળહળિયું દેજે. કવિ દરેક દુઃખમાં અનુકૂલન સાધી દરેક વિષમ પરિસ્થિતિને સ્વીકારવા તૈયાર છે. પણ અંતે ઈચ્છે છે કે, ભલે ઈશ્વર આખી જિંદગી મને દરેક વસ્તુથી તરસ્યો રાખે પણ મોત તો ગંગાજળિયું જ આપજે. કારણ આપણી સંસ્કૃતિ મુજબ ગંગાજળિયું મોત સર્વોત્તમ ગણાય છે. ઈશ્વર તો મનુષ્યની કસોટી કરતો જ હોય છે મેલાંઘેલાં ફળિયાં આપીને પણ મનુષ્ય મને તો બસ ગંગાજળિયું મોતની જ ખ્વાહિશ એમ કહે, ત્યારે શું ઈશ્વરની કસોટી નહિં થતી હોય ?!!
.

રાહી સાહેબની સુંદર ગઝલ અને એનો એવો જ સરસ આસ્વાદ.
બન્નેને અભિનંદન!
સુધીર પટેલ.
દૂર રહું ભારે નજરોથી,
એવું બસ માદળિયું દે.
-લાજવાબ શેર…