ઝેરનો કટોરો : ભાગ્યેશ જ્હા

 

મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી,
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા તૂટી.

મીરાંની આંખમાંથી નીતરે છે રોજ બની વહેલી સવાર એક ઝરણું,
મીરાંનાં તંબૂરથી તૂટેલાં તાર મારા આંગણાનું બોલકણું તરણું,
રાણાને સંદેશો મોકલવા કલમ લઇ બેઠી ત્યાં શાહી સ્હેજ ખૂટી.

રાધા બનીને સ્હેજ કહું છું હું ક્હાન, ત્યાં તો પારધીએ તીર એક તાકયું,
શબરીનાં બોરમાંથી કાંટાને કાઢતાં, જીવનનું ઝાડ ખૂબ થાક્યું,
ગિરિધર નાગર ને રીઝવવા, નાચું ત્યાં ઘૂંઘરુની ગાંઠ એક છૂટી.

- ભાગ્યેશ જ્હા

 

ક્લેકટરપદે સરકારી નોકરી કરતાં કરતાં કવિતા નામનું ઝરણું વહે તે જ સુખદ આશ્ચર્ય અને તેમાં પણ ભાગ્યેશભાઈની કલમે વિષયનાવીન્ય અને કલ્પન પણ અનોખાં જ …. મીરાં, રાધા અને કૃષ્ણ તે તો સાહિત્યનાં સનાતન પાત્રો. પણ ભાગ્યેશભાઈએ તો ખુદ મીરાં બની કલમ ઉપાડી છે અને તેની તંબૂરનો રણકાર હૃદયને ન સ્પર્શે તે શક્ય જ નથી.  સંસારની માયાજાળમાં મનુષ્યે રોજ જ ઝેરનો કટોરા પીવા પડે પણ તે તો શિવજીની જેમ ગળામાં જ રાખવું પડે , મીરાં બની થોડું આપણે કૃષ્ણમાં સમાઈ શકીએ ?!! અને સત્ય પણ એ જ છે ને કે, કઈક દુઃખ આવે ત્યારે જ આપણને ઈશ્વર યાદ આવે છે. અને દુઃખનો અંતિમ ઉપાય ઝેરનો કટોરો જ હોય એમ લોકો આત્મહત્યા કરવા પણ પ્રેરાય છે.  જોકે આ તો સંસારરૂપી વિષ પીતાં અંગે અંગ મીરાં ફૂટે છે વૈરાગ્ય આવી જાય અને તો પણ કૃષ્ણને પામી નહિં શકતા મનુષ્યની વાત….!!

મીરાં તો રાણાને સંદેશો પણ મોકલી શકી પણ આપણે તો તેમ કરવાં જતાં શાહી પણ ખૂટી જાય છે. તો વળી, રાધા બનીને કાનને બોલાવવા જઈએને પારધી કૃષ્ણની પાનીએ તીર તાકે છે. શું હવે, જીવનનું ઝાડ ના થાકે ?!!  આપણું મન પણ રાધાની જેમ બ્હાવરું બની કૃષ્ણને શોધે છે … ઝેરનો કટોરો પીવા પણ તૈયાર ….. શું તું તારું વચન હજુ નહિં પાળે…. ‘संभवामि युगे युगे’ …….?!!

 

 

.


3 Comments to “ઝેરનો કટોરો : ભાગ્યેશ જ્હા”

  1. સુંદર રચના…

    વાત મીરાંથી ભલે નીકળે પણ રાધા સુધી પહોંચે નહીં તો જ નવાઈ…

  2. hardwar goswami says:

    ક્યા બાત હૈ ! મજા પડી.

  3. Pinki says:

    કવિમિત્ર હરદ્વાર ગોસ્વામીનું વૅબમહેફિલમાં હાર્દિક સ્વાગત…. !!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME