હેંડ્ય અલ્યા બગડી જઇએ : ભાનુપ્રસાદ ત્રિવેદી
હારા થૈને થાક્યા જીવલા, હેંડ્ય હવે બગડી જઇએ,
ઉંચા ભાવે ખૂબ ઠગાણાં, હેંડ્ય હવે બગડી જઇએ.
ચાખડીઓ થૈ ચરણ દલાર્યા, પંચામૃત થૈ તરપ્યા,
દીપ-ફૂલ-ચંદન ઓવાર્યા, તોય સરગ ના ધરપ્યા.
ગાડી નરકની ચૂકશું ટણપા, હેંડ્ય ચડપ પકડી લઇએ.
કર્યાં હોજરા ખાતર, જીવલા ! પેટ વલોયાં ઉણાં,
પાડ્યાં તનનાં તેલ બાપલા ! કરમ પડ્યાં ના કૂણાં,
પત્યું ! હવે તો ફોલ્લા થૈને હેંડ્ય અલ્યા તતડી જઇએ.
હાંલ્લાં થ્યા ને ફૂટ્યાં લલવા ! નળિયાં થ્યા ને ચૂયા,
કદી કોડિયાં થયાં કજળવા, ઇંટ્યો થૈ રુંધાયાં,
હેંડ્ય હવે તો પકવનાર પાકે એવું ભભડી જઇએ.
- ભાનુપ્રસાદ ત્રિવેદી
ભગવાનની પૂજા કરી કરીને થાક્યા અને તોય સરગ (સ્વર્ગ) ના સાંપડે તો નરકની ગાડી થોડી ચૂકી જવાય ? નૈતિકતાનાં મૂલ્યોને જીવનમાં મહત્ત્વ આપ્યા બાદ જો તે પરાવૃત્ત ન થાય તો કોઇ પણ અનીતિનો સરળ માર્ગ અપનાવવા તૈયાર થઇ જાય. પણ ખરેખર નીતિવાન માટે એવું શક્ય નથી હોતું ને તેથી જ ફોલ્લો થઈ તતડી જાય છે. વળી, કરમનાં ફૂટેલાં ય એવાં કે કોડિયું થવા મથે તો ઇંટો થઈ ભઠ્ઠામાં શેકાય અને આ રુપક પણ મજાનું ….. કોઈની ઊંચી ઇમારતના પાયામાં આપણે જ પાયાની ઇંટો બનવાનુ…….!! હેંડ્ય હવે બહુ થયું, આ ઇંટની જેમ પકવનાર પાકી જાય એવું ભભડી તો નાંખીએ, એથી તો વધુ કંઈ નહિં થાય આપણાથી. કારણ હારા થૈને થાકીએ જ આપણે તો – હારીએ થોડાં ?!!!
.

વાહ! લાંબા સમય પછી આવું મજાનું ગીત ‘સાંભળ્યું’… આ ગીતનો લય એવો પાક્કો છે કે વાંચ્યું કહેવું એ આ ગીતની અવહેલના જેવું લાગે છે…
બગડી જવાની વાત ગમી ગઈ…
ઉમદા ગીત … !! અદભૂત…