હાઈકુ : સ્નેહરશ્મિ

 

હિમશિખરે
ફૂટે પરોઢ: અહો !
સૂર્ય હાઈકુ઼

* * *

ઊડી ગયું કો
પંખી કૂજતું : રવ
હજીયે નભે

* * *

 ઝાપટું વર્ષી
શમ્યું, વેરાયો ચંદ્ર
   ભીના ઘાસમાં.

* * *

   વ્હેરાય થડ :
ડાળે માળા બાંધતાં
   પંખી કૂજતાં.

* * *

ફરતી પીંછી
અંધકારની : દીપ
નહીં રંગાય.

* * *

પતંગિયું ત્યાં
થયું અલોપ : શૂન્ય
ગયું રંગાઈ.

* * *

ગીત આકાશે :
પંખીની પાંખમાંથી
ફૂટે પરોઢ.

- સ્નેહરશ્મિ

ગુજરાતી સાહિત્યમાં જાપાનીસ કાવ્યપ્રકાર હાઈકુનો પરિચય કવિશ્રી સ્નેહરશ્મિએ કરાવ્યો.  આજે તેમનાં જન્મદિને ઝીણાદાદાને યાદ ન કરીએ તો કેમ ચાલે ?  ખાદીનાં સફેદ ધોતી, ઝભ્ભામાં તેમનાં ઘર પાસે વૉક કરતાં હોય અને અમે તેમની સાથે વાતો કરતાં અને સી.એન.માં જ અભ્યાસ કર્યો હોવાથી પરીક્ષા હોય તો ઘરમાં જઈ પગે પણ લાગી આવતાં. તેમના પુત્ર સિદ્ધાર્થભાઈ સાથે વાત થઈ અને તે મુજબ તેમનો સંગ્રહ બહુ જલ્દીથી આપણને ડિજિટલ સ્વરુપે મળશે. 

 

 

.


4 Comments to “હાઈકુ : સ્નેહરશ્મિ”

  1. pragnaju says:

    લાઘવમાં વિ પુ લ રજુઆતવાળા
    હાઈકુ માણીએ અને સ્નેહરશ્મી યાદ આવે!
    તેમના જન્મદિને કુશળ મંગળ અંગે પ્રભુ પ્રાર્થના.

  2. અહીં પ્રસ્તુત હાઈકુમાંથી કેટલાક અભ્યાસક્રમમાં આવતા… આ નાના અમથા કાવ્યપ્રકારની કેવી અસર રહી ગઈ છે?! હજી વિસ્મરણ થયું નથી… સ્નેહરશ્મિના હાઈકુએ એ જમાનામાં અડધાથી વધારે ક્લાસને હાઈકુ રચતા કરી દીધો હતો…

  3. સુંદર હાઈકુઓ… સાચી વાત છે, સ્કૂલનાં દિવસો યાદ આવી ગયા.

    એમનાં ડિજિટલ સંગ્રહની રાહ જોવી જ રહી…!

  4. દીપક says:

    તદ્દન સાચું,
    યાદ છે તમામ
    પુરાણી યાદો

    મેં પણ શાળામાં એકાદ હાઈકુ બનાવેલું હતું. હાઈકુની અસર મન પર ઉંડે સુધી પડી છે.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME