થાય છે : ફિલિપ ક્લાર્ક

 

થાય છે એ ક્યાં બરોબર થાય છે ;
ગોઠવો ઈંટો કદી ઘર થાય છે ?

રાહ જોતું જાય મોકાનું જગત,
કામ જ્યારે હોય આદર થાય છે.

કેટલાંયે આંસુઓ પીધા પછી,
આજ ભીનું ગામ પાદર થાય છે.

થાક જેવું લાગતું એને હશે,
રેતનાયે ક્યાંક તો થર થાય છે.

હળવું મળવું ને વિખૂટા થૈ જવું,
આપણા હિસાબ સરભર થાય છે.

બારી વિના કોઈને ક્યાં ચાલતું ?
આમ ભીંતોનું જ ચણતર થાય છે.

ખોરડું તો ભોંય ભેગું થૈ ગયું,
રોજ રાતે કોની હરફર થાય છે.

આપણે મોડા પડીને પૂછીએ,
થાય છે એ ક્યાં સમયસર થાય છે ?

- ફિલિપ ક્લાર્ક

 

આ તો મારી અને તમારી જ વાત !! આપણી રોજબરોજની અકળામણ કવિએ ગઝલમાં બખૂબી પેશ કરી છે. થાય છે એ ક્યાં બધું બરાબર થાય છે ? સાલું કો’ક તો છે, આવ ભાઈ હરખા, આપણે બે સરખાને નાતે -પહેલી પંક્તિથી જ એવો ઘરોબો કેળવાઇ જાય, અને suspense movieની જેમ અંતમાં પહેલી પંક્તિનો જવાબ ખૂલે -
” આપણે મોડા પડીને પૂછીએ,
થાય છે એ ક્યાં સમયસર થાય છે ?….!!!

 

 

.


7 Comments to “થાય છે : ફિલિપ ક્લાર્ક”

  1. આખી ગઝલ સરસ… છેલ્લો શેર ખૂબ ગમ્યો…

    થાય છે એ ક્યાં બરોબર થાય છે ;
    ગોઠવો ઈંટો કદી ઘર થાય છે ?
    - આ વાંચીને બે પંક્તિ યાદ આવી ગઈ… કોની છે, યાદ નથી:

    ઘર એટલે ચાર દીવાલ ?

    ના, ના, ઘર એટલે ચાર દિ’ વહાલ !

  2. ખૂબ જ મજાની સ-રસ ગઝલ !

  3. વાહ પિંકીબેન,
    સુંદર ગઝલ પોસ્ટ કરી છે હો!
    અને તમે પણ સાવ સાચું જ કહ્યું જાણે આપણી જ વાત……!
    કવિને અને તમને,સહિયારાં અભિઅનંદન.

  4. પ્રતિક મોર says:

    રામના નામનો હજુ પણ રામ છે,
    ને કાનુડામાં કેમ ફેરફાર થાય છે.

    જીદગી ભર સાચવી હતી વસ્તુઓ,
    ને અતેં બસ બે ફુલ જ વેરાય છે.

    ભટકી ભટકી ને થાકી જાય માનવ,
    ને અંતે મંજીલ નો રસ્તો ને દોરાય છે.

    ભુલથી પણ મળતા નથી મિત્રો આજે,
    ને પાણીના ભાવે માનવી વહેચાય છે.

    પ્રતિક મોર
    pratiknp@live.com

  5. kishore modi says:

    નખશિખ સુંદર ગઝલ અભિનંદન

  6. Ketan Shah says:

    બારી વિના કોઈને ક્યાં ચાલતુ…..

    સુંદર ગઝલ

  7. Bharat Atos says:

    ખુબ જ સરસ ગઝલ!

    “રાઅહ જોતું જાય મોકાનું જગત,
    કામ જ્યારે હોય આદર થાય છે.”

    એક શેર મારા તરફથી પણ…

    જરુરત જેમ પડતી જાય સૌ બદલાય છે જાતે,
    સવારે હોય એવો માનવી ક્યાં હોય છે રાતે?
    -ગણપત પટેલ”સૌમ્ય”

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME