નીકળવાનું કરો : સુધીર પટેલ

 

સંભવિત સૌ ચોકઠામાંથી નીકળવાનું કરો,
ગામ, ઘર કે ઓરડામાંથી નીકળવાનું કરો.

આડી-ઊભી ચાવીથી ખાનાં ભરી જીવ્યાં ઘણું,
શબ્દવ્યૂહી કોયડામાંથી નીકળવાનું કરો.

જીવવાનો અર્થ સઘળો કૈં હવા ભીતર નથી,
રૂઢ થઈ ઊભી હવામાંથી નીકળવાનું કરો.

કોઇ બીમાંથી સહજ અંકુર ફૂટી નીકળે,
એમ સીધું આપણામાંથી નીકળવાનું કરો.

દૃશ્ય એ તો આંખનું ષડયંત્ર છે મોહક ‘સુધીર’
આંખના એ કારસામાંથી નીકળવાનું કરો.

- સુધીર પટેલ

 

અજાણતાં જ આપણાં અનુભવોને આધારે, આપણી સૂઝ મુજબ આપણી આસપાસ એક નાનકડી સૃષ્ટિનું સર્જન કરી લેતાં હોઈએ છીએ, જેમાંથી બહાર નીકળવાનું લગભગ અશક્ય હોય છે. અને સુધીરઅંકલ એ જ ઓરડામાંથી, ઘરમાંથી ને ગામમાંથી બહાર નીકળવાનું એક ઇજન આપે છે. હમણાં જ હર્ષદભાઈએ ‘ફૂલછાબ’માં સુધીરઅંકલ અને તેમનાં ગઝલસંગ્રહ વિશે એક લેખ લખેલો, જેમાં આડી-ઊભી ચાવીવાળા શેરનો ઉલ્લેખ પણ કરેલો. સાચે જ , આ ખૂટતો ‘અક્ષર’ શોધવાનાં કોયડામાંથી નીકળવાનું કેટલું અઘરું છે ને ?!! જો કે બીમાંથી અંકુર ફૂટે એવી સહજતા હોય તો દૃશ્યના કારસામાંથી ચોક્કસ નીકળી જ શકાય.

શબ્દાર્થ :  કારસા – યુક્તિ, ચાલાકી

 

 

.


14 Comments to “નીકળવાનું કરો : સુધીર પટેલ”

  1. કોઇ બીમાંથી સહજ અંકુર ફૂટી નીકળે,
    એમ સીધું આપણામાંથી નીકળવાનું કરો.

    - adabhut sher…

  2. P Shah says:

    very nice gazal, Sudhirbhai.

  3. kishore modi says:

    A nice ghazal with new radeef-kafiah

  4. Bharat Atos says:

    ખુબ જ સુંદર ગઝલ!!!
    આટલા દિવસ મેં આ સાઈટની મુલાકાત કેમ ના લીધી?????
    ખુબ જ સુંદર કલેક્શન છે આપનું.
    આભાર.

  5. ખરેખર એટલી સુંદર ગઝલ કે મને લખવા શબ્દો નથી મળતા. very impressive from all angles.I am stunned to read. All shers are excellent.Bravo.

  6. Nice Gazal….Sudhirbhai !
    Pinki..have padharje Chandrapukar par…..
    Sudhirbhai, Thanks for your Comment for a Post on my Blog .

  7. વાહ સુધીરભાઈ!
    ખરા અર્થમાં સારી કહી શકાય એવી ગઝલ લખાઈ છે.-અભિનંદન.

  8. સરસ ગઝલ! આ શેર ખૂબ ગમ્યાં

    આડી-ઊભી ચાવીથી ખાનાં ભરી જીવ્યાં ઘણું,
    શબ્દવ્યૂહી કોયડામાંથી નીકળવાનું કરો.

    કોઇ બીમાંથી સહજ અંકુર ફૂટી નીકળે,
    એમ સીધું આપણામાંથી નીકળવાનું કરો.

    દૃશ્ય એ તો આંખનું ષડયંત્ર છે મોહક ‘સુધીર’
    આંખના એ કારસામાંથી નીકળવાનું કરો.

    ફક્ત “જીવવાનો અર્થ…” વાળો શેર જરા સમજાયો નહીં. થોડોક ફોડ પાડશો?

  9. સરસ ગઝલ…સુધીરભાઈને અભિનદન…

  10. sudhir Patel says:

    હેંમંતભાઈ, પ્રતિભાવ બદલ આભાર!
    એ શે’ર માં કહેવાનો મતલબ – ફક્ત હવા (શ્વાસ)લેવાથી જીવાય છે, પણ એ જ ‘જીવન’ નથી!
    એ અર્થમાં રૂઢ થયેલી હવા, કોઈપણ જાતની જડતામાંથી, નીકળવાની વાત છે, જે મત્લાના ઉલા
    મિસરા – ‘સંભવિત સૌ ચોકઠામાંથી નીકળવાનું કરો’- સાથે જાય છે. આશા છે આટલો ફોડ કાફી થશે.
    અન્ય સૌ ભાવક-મિત્રોનો પણ પ્રતિભાવ બદલ ધન્યવાદ!
    સુધીર પટેલ.

  11. pragnaju says:

    સુંદર ગઝલ

  12. Pinki says:

    જે માનસિકતા-પૂર્વગ્રહો આપણા શ્વાસમાં વણાઈ ગયાં છે, રૂઢ થઈ ગયાં છે. તેવી રૂઢ થઈ ઊભેલી હવા (શ્વાસ)માંથી નીકળવાનું કરો…!! કારણ હવા (શ્વાસ)ની આવનજાવન માત્ર જ જિંદગી નથી.

  13. Jyotindra Khandwalla says:

    સુધિરભાઇ તમારી ગઝલો વાંચીને ખૂબ જ આનંદ આવે છે.
    Hearty Congratulations. Pl. keep up.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME