ડૅથ સર્ટિફીકેટ : એષા દાદાવાળા
પ્રિય દીકરા,
યાદ છે તને ?
તું નાની હતી અને આપણે પાનાં રમતા,
તું હંમેશા જીતી જતી અને હું હંમેશા હારી જતો,
ક્યારેક ક્યારેક જાણી જોઈને પણ…..
તું કોઈ પણ હરિફાઈમાં જતી ત્યારે તમામ શિલ્ડ અને સર્ટિફીકેટ,
તું મારા હાથમાં મૂકી દેતી,
અને ત્યારે મને તારા બાપ હોવાનો ગર્વ થતો.
મને થતું હું દુનિયાનો સૌથી સુખી બાપ છું.
આપણને કોઈ દુ:ખ હોય કોઈ તકલીફ હોય,
તો એક બાપની હેસિયતથી તારે મને તો કહેવું જોઈતું હતું…
આમ અચાનક,
તારા બાપને આટલી ખરાબ હદે
હરાવીને જીતાતું હશે… મારા દીકરા…?
તારાં બધાં શિલ્ડ અને સર્ટિફીકેટ્સ
મેં હજી સાચવી રાખ્યાં છે,
પણ એનો અર્થ એ તો નથી ને,
કે તારું ડૅથ સર્ટિફીકેટ
પણ મારે જ સાચવવાનું…?!!
- એષા દાદાવાળા
પોતાની સહેલીના ડૅડીના હાથમાં તેનું ડૅથ સર્ટિફીકેટ જોઈ એક નાનકડું મન વ્યથિત થઈ ગયું અને તેની સંવેદનાએ ઉપાડી કલમ….. અને સાથે જ આપણને મળે છે એક ‘નાનકડી’ પુખ્ત કવિયત્રી. એષાનું આ પ્રથમ કાવ્ય અને પ્રથમ પ્રકાશિત કાવ્ય પણ આ જ !! કવિ બનવા માટે પહેલાં તો ‘ માણસ’ બનવું પડે એવું નથી લાગતું ?!!
જેની સાથે દેખીતો કોઈ સંબંધ ન’તો એવી એક વ્હાલી દીકરીનાં મૃત્યુને ત્રણ વર્ષ બાદ – આજે પણ મારાથી ભૂલવું શક્ય નથી બન્યું, તો તે બાપ કન્યાદાનની ઉંમરે તેને અગ્નિદાહ આપ્યા બાદ કેમ ભૂલી શકે ?! ડૅથ સર્ટિફીકેટ જ જીવની જેમ સાચવેને ! ….કાશ ! ઈશ્વરને ત્યાં પણ ‘ પગફેરા’ નો રિવાજ હોત …….?!!
.

એષા સરસ કવિતાઓ લખે છે અને તમે એને પ્રસરાવો છો… અભિનંદન
સંવેદનાસભર !!
ખુબ કરૂણ ..
ખુબ કરૂણ કાવ્ય.
દીકરી વ્હાલનો દરિયો હોય છે અને જ્યારે આંખ આગળથી એ દરિયો જ ઓઝલ થઇ જાય તો કેવુ થાય તે કલ્પના જ કરવી મુશ્કેલ છે
ડેથ સર્ટિફિકેટ એ જ જીવનની અંતિમ વાસ્તવિકતા… પણ હરીફાઈમાં જીતેલાં સર્ટિફિકેટોની સાથે ડેથ સર્ટિફિકેટ સાચવી રાખવાની વાત કરીને એષાએ કમાલ કરી. મને નથી લાગતું કે આવી કલ્પના આ પહેલાં કોઈને સૂઝી હશે.
સાદ્યંત સુંદર કવિતા…. એષાની બળુકી રચનાઓમાંની મોખરાની એક…
એષા, અદભુત સરજન્.આંખ રડી પ ડી…
દિલીપ ઘાસવાલા
સાચવીને રાખવા જેવું કાવ્ય. વેદનાની બળકટ રજૂઆત.
એષાબેન રડાવી દીધા ખૂબ હદય સ્પર્શી કાવ્ય્