ક્યાં સુધી : કીર્તિકાન્ત પુરોહિત
દેખવું ને દાઝવું તે ક્યાં સુધી,
દૃશ્ય ધૂમર માંજવું તે ક્યાં સુધી.
આયના તો સાવ ચોખલિયા મળે,
નગ્ન રૂપ શણગારવું તે ક્યાં સુધી.
ડાળ પર ખુદ ડગમગે છે જ્યાં સમજ,
લક્ષ્ય એનું સાધવું તે ક્યાં સુધી.
જ્યાં નજર નાખું કશી હલચલ નથી,
ઉંબરા પર થાકવું તે ક્યાં સુધી.
બુદ્ધિવશ દિલ થઈ ગયું છે તે પછી,
આડુઅવળું ભાગવું તે ક્યાં સુધી.
હું જ મારો દોસ્ત જ્યારે ના થયો,
કોઈનું મન તાગવું તે ક્યાં સુધી.
જૂઠના બાઝારથી લાવી ખરલ,
સતનું ફીફું ખાંડવું તે ક્યાં સુધી.
શબ્દના ચરખા પુરાણા થઈ ગયા,
રોજ ઝીણું કાંતવું તે ક્યાં સુધી.
‘કીર્તિ’ના ચરણો સદા ચંચલ મળે,
પુચ્છ ઉપર નાચવું તે ક્યાં સુધી.
- કીર્તિકાન્ત પુરોહિત
ગાંધી-હૃદય આરપાર ત્રણ ગોળી સિવાય જેની કલમ જઈ શકી તે કલમ જ સમજનાં લક્ષ્યચૂકને વીંધી શકે. જો કે લક્ષ્યવેધમાં રોજ જિંદગી જ વીંધાતી હોય ત્યારે સમજની ડાળ ઝૂકી-ઝૂકીને તૂટવાને બદલે ક્યાં સુધી નહિં ડગમગે…. ?!!
શબ્દાર્થ : ધૂમર – ધુમ્મસ, ફીફું – અનાજનું ફોતરું, ફીફું ખાંડવું – મિથ્યા પ્રયત્ન કરવો.
.

શબ્દના ચરખા પુરાણા થઈ ગયા,
રોજ ઝીણું કાંતવું તે ક્યાં સુધી.
સુંદર
ગઝલ.
સરસ ગઝલ!
સુધીર પટેલ.
બહુ જ સરસ રચના–આવી પસઁદગી બદલ આભાર.
વાહ! ખુબ જ સુંદર ગઝલ…
મજાની ગઝલ..
Thanks.
સૌ મિત્રોને મારા સલામ.