સહેલું નથી : હિતેન આનંદપરા
જર્જરિત યાદોનું પાનું ફાડવું સહેલું નથી,
આપણું હોવાપણું ઓગાળવું સહેલું નથી.
મન ભલેને કે’ હિમાલય જઈને તું કર સાધના,
પણ સ્વજનને છેતરીને ભાગવું સહેલું નથી.
તું હસે છે કેમ મારી આ ઉદાસી પર જગત,
છત તરફ જોયા કરીને જાગવું સહેલું નથી.
અંશ પોતાનો વિખૂટો થાય છે ને જે ઘડી,
દાબમાં રાખેલ ડૂસકું ખાળવું સહેલું નથી.
આયનાનો ધર્મ છે જે હોય એને ઝીલવું,
ને તિરાડોમાં સ્વગત સંભાળવું સહેલું નથી.
પ્રેમ આકર્ષણથી ઉપરવટ બને તો વાત કર,
એક જણ માટે બધુંયે ત્યાગવું સહેલું નથી.
સારું છે કે બે ઘડીમાં તુર્ત ચાલ્યું જાય છે,
આમ પણ મુફલિસપણું સંભાળવું સહેલું નથી.
- હિતેન આનંદપરા
ઘણી રચના કે બે-ચાર શે’ર કે પંક્તિ માત્ર, ગીતા-ઉપનિષદ બની આપણા માંહ્યલાને જગાડી દે તેવી સક્ષમ હોય છે. પણ આપણું મુફલિસપણું જેવું ઊતરે કે – “આપણું હોવાપણું- ઓગાળવું સહેલું નથી” નું ભાન/જ્ઞાન સાધે છે. અને વાસ્તવિકતાની આ જ ક્ષણોને હિતેનભાઈએ શબ્દોમાં કંડારી છે. કદાચ સહેલું ને સરળ લાગે તો પણ – હિમાલય જઈને કરેલી સાધના સ્વજનને છેતરીને ભાગવાનું પાપ ક્યારેય ધોઈ શકશે ?!!
.

મત્લા બહુ તગડો ચ્હે.આખ્વ્વ ગઝલ સઁદર ચ્હે.
સુંદર ગઝલ.
આવા પણ આનાથી વિરોધભાસી કાફિયા-રદિફ વાળી નિતિન વડાગામાની ગઝલનો એક શેર….
ચરણ પાણીમાં બોળીને નીકળવું સાવ સહેલું છે,
ઝરણને એમ ડહોળીને નીકળવું સાવ સહેલું છે.
ઉછરવાની પીડા વિશે જરા આ ઝાડને પૂછો,
પાંદડું એક તોડીને નીકળવું સાવ સહેલું છે.
- નિતિન વડગામા
કેવી સુંદર રચના !! દિલ બાગ બાગ થઇ ગયું..
બહુ સરસ ગઝલ..વાહ.મઝા આવી ગઇ..
સરસ ગઝલ છે
મન ભલેને કે’ હિમાલય જઈને તું કર સાધના,
પણ સ્વજનને છેતરીને ભાગવું સહેલું નથી….સુંદર પંકતિસ
સપના
ખુબ જ સરસ
“તું હસે છે કેમ મારી આ ઉદાસી પર જગત,
છત તરફ જોયા કરીને જાગવું સહેલું નથી.”
ખુબ જ સરસ