ચાલ : અશોક ચાવડા ‘બેદિલ’

 

સરળતાથી નહીં ભૂંસી શકો એકેક જણની ચાલ,
સતત પગરવ કરીને જાય જીવનમાં સ્મરણની ચાલ.

સમજદારીની ભાગમદોડમાં બસ વસવસો છે એક,
ચમકતાં બૂટનાં તળિયે ઘસાઈ બાળપણની ચાલ.

મુસીબતમાં છું હમણાંથી જરા જાહેર થૈ ગૈ વાત,
બધાંએ વાતવાતમાં ચાલવા માંડી છે ….પણની ચાલ.

મને ખુદને જ મળવામાં હું અડચણરુપ થઉં છું રોજ,
મને મળવા જ ચાલી આજ મારા અપહરણની ચાલ.

સદાયે ખુશ રહેવાની બતાવી દઉં જડીબુટ્ટી,
” ધરા સાથે બદલાતી રહે વ્હેતાં ઝરણની ચાલ.”

- અશોક ચાવડા ‘બેદિલ’

 

રોજેરોજ જિંદગીમાં અનેક ‘ચાલ’ રમાતી હોય પણ આપણા જ અપહરણની ચાલ આપણે રમીએ અને તેમાં બાળપણની ચાલ તો ઘસાઈ જ જાય.  અશોકભાઈએ બતાવેલી જડીબુટ્ટી ગળે ઉતરી – તો વહેતું ઝરણું ચોક્કસ કો’ક દી સાગરને મળશે જ…. !!

 

.


4 Comments to “ચાલ : અશોક ચાવડા ‘બેદિલ’”

  1. સમજદારીની ભાગમદોડમાં બસ વસવસો છે એક,
    ચમકતાં બૂટનાં તળિયે ઘસાઈ બાળપણની ચાલ

    વાહ.

  2. આખી ગઝલ સરસ ને છેલ્લો શેર તો અદભૂત..વાહ ક્યા બાત કવિ…

  3. મુસીબતમાં છું હમણાંથી જરા જાહેર થૈ ગૈ વાત,
    બધાંએ વાતવાતમાં ચાલવા માંડી છે ….પણની ચાલ.
    - શબ્દ-વ્યંજનાની સુંદર કમાલ…

    સદાયે ખુશ રહેવાની બતાવી દઉં જડીબુટ્ટી,
    ” ધરા સાથે બદલાતી રહે વ્હેતાં ઝરણની ચાલ.”
    -ઉમદા શેર…

  4. માન્યા says:

    આખી ગઝલ સરસ છે. એક એક શેર હૃદય સોંસરવા ઉતરી ગયા.સમજદારીની ભાગમદોડમાં સાચે જ આપણું બાળપણ ખોવાઇ જાય છે આવી ગહન વાત આટલી સરળતાથી કવિએ સમજાવી દીધી છે તે માટે અભિનંદન. અને છેલ્લો શેર તો કહેવત બનીને વરસો વરસ ટકે તેમ લખાયો છે. આ જડીબુટ્ટી સમજાવતા કવિની જિંદગીના અનુભવો જાણવામાં રસ છે. જો તેમના વિશે વધુ જાણકારી હોય તો આપશો.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME