હું મરી ગયો…..: રમેશ પારેખ

 

હું મરી ગયો.

અંતરિયાળ.

તે શબનું કોણ ?

તે તો રઝળવા લાગ્યું.

કૂતરું હાથ ચાવી ગયું.

તો સમડી આંતરડાનો લચકો ખેંચી ગઈ.

કાગડો મજેથી આંખો ઠોલે.

કાન સોંસરી કીડી આવે-જાય.

સાલું, સાવ રામરાજ ચાલે….

પવન દુર્ગંધથી ત્રાસીને છૂ,

તે વાળ પણ ન ફરકે,

-ને આ બાજુ સાંજ પડું પડું થાય.

ઘેર તો જવાનું હતું નહીં.

આખો રસ્તો પગ પાસે બટકેલો પડ્યો હતો.

હું સારો માણસ હતો.

નખમાંય રોગ નહીં ને મરી ગયો.

કવિતા લખતો…

ચશ્માં પહેરતો…

ઝાડપાન આઘાત લાગવાના દેખાવમાં ઊભા છે.

પાછળ ઘર કલ્પાંત કરતું હશે.

અને એમ સહુ રાબેતાભેર,

ખરો પ્રેમ માખીનો,

જે હજી મને છોડતી નથી.

હું બિનવારસી,

ને જીવ સાલો, જલ્સા કરતો હશે.

પણ કાકો ફરી અવતરશે,

ને માણસગીરી કરશે, હી હી હી….

- આમ વિચારવેડા કરતો હતો,

તેવામાં

બરોબર છાતી પર જ

ના, ના ઘડીક તો લાગ્યું અડપલું કિરણ હશે.

પણ નહોતું.

છાતી પર પતંગિયું બેઠું’તું

પતંગિયું…

આલ્લે…

સડસડાટ રુંવાટા ઊભાં….

લોહી ધડધડાટ વહેવા માંડ્યું,

ઓચિંતી ચીસ નીકળી ગઈ કે,

હું મરી ગયો નથી…

સોનલ, ત્યારે હું ફરી જીવતો થયો હોઈશ ?

- રમેશ પારેખ

 

૧૭ મે, ૨૦૦૬ના રોજ એક ‘છ અક્ષરનું નામ’ દૈહિક વિશ્વમાંથી ભૂંસાઈ ગયું. એ નામ કે જેનું અસ્તિત્વ નહીં હોવાના કારણે ” ઝાડપાન આઘાત લાગવાના દેખાવમાં છે ” કારણ હવે કોઈ કહેનાર નથી કે – ” પાન પીળું થયું તો પાનમાંથી શું ગયું કોને ખબર ? ”    અંતરિયાળ મોત પછી પણ  ર.પા. ફરી અવતરશે અને કવિગીરી કરશે……!!  

 ૨૨ મે, ૨૦૦૯ના રોજ તેમના પુત્ર નીરજ પારેખ ર.પા.ને ડિજિટલ સ્વરુપે આપણી સમક્ષ લઈ આવે છે, તો ” કાળ સાચવે પગલાં” નીતિન વડગામા સંપાદિત ર.પા.ની અગ્રંથસ્થ રચનાઓ અને સંજય વૈદ્ય સંપાદિત ર.પા.ની રચનાઓનું પુસ્તક “e-મોશન્સ” ની લોકાર્પણ વિધિ મોરારીબાપુનાં હસ્તે રાજકોટ ખાતે રાખવામાં આવી છે.

 

 

.


5 Comments to “હું મરી ગયો…..: રમેશ પારેખ”

  1. sudhir patel says:

    મહાન કવિને ફરી ફરી શ્રધ્ધાંજલી!
    એમનો આત્મા ફરી પાછો માણસગીરીની સાથે કવિગીરી કરવા અવતરે એવી અપેક્ષા!
    સુધીર પટેલ.

  2. Lata Hirani says:

    કઁ તો પતંગિયાની જેમ છાતી પર હળવેકથી બેસી જાય કાં ધડધડાટ આરપાર સોસરવી ઉતરી જાય એનું નામ કવિતા અને એ રમેશ પારેખની હોય તો પછી કહેવું જ શું !!

  3. ઉત્તમ કાવ્ય…

    અસ્તુ !

  4. રમેશ પારેખ જેવા કવિઓ મરતા નથી, આપણી વચ્ચે અક્ષરદેહે વિચરતા રહેશે. મારી પાસે તેમનું એક સંભારણું છે, મે બ્લોગમાં પ્રસ્તુત કર્યું છે.

  5. સરસ કાવ્ય જાણે ર્.પા. ને મોત નો અણસાર આવી ગયો હોય એવુઁ

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME