ઈ-મેલમાં : ‘આદિલ’ મન્સૂરી

 

કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં,
દુનિયાભરના વાયરસ એ મોકલે ઈ-મેલમાં.

ખાનગી વાતો બધી કરતા રહે એ ફોરવર્ડ,
બેવફાઈને નવો રસ્તો મળે ઈ-મેલમાં.

હોટ મેલે મળશે અથવા મળશે યાહૂ ડોટ પર,
મોટા ભાગે બે જ સરનામા હશે ઈ-મેલમાં.

જોતજોતામાં પડછાયા દિગંબર થૈ જતા,
ક્લિક કરો ને આવરણ સૌ ઊતરે ઈ-મેલમાં.

રાતદિવસ અક્ષરો ઘૂંટાય છે કી બોર્ડ પર,
સ્પર્શ એના ટેરવાંઓનો હશે ઈ-મેલમાં.

હા વતનની ધૂળ ખાવા જાઉં પાછો દોસ્તો,
પ્લેનની જ્યારે ટિકિટ સસ્તી મળે ઈ-મેલમાં.

જોતજોતામાં ગઝલ ઈ-મેલની આવી ચડી,
બેઠા બેઠા મોકલું તેને બધે ઈ-મેલમાં.

શું કરી શકીએ પછી આદિલ જો સરવર ડાઉન હો?
કાગળો હાથે લખ્યા ક્યાં જૈ શકે ઈ-મેલમાં?!

- ‘આદિલ’ મન્સૂરી

 

ગયા વર્ષે તેમનાં જન્મદિને તેમને ‘વલી’ ગુજરાતી ગઝલ ઍવોર્ડથી નવાજવામાં આવ્યાં, અને આજે બરાબર એક વર્ષ પછી તેઓ નથી એમ કહેતાં….. કલમ પણ અચકાય છે.  છેલ્લી વાર ભારત આવ્યાં ત્યારે તેમનો વતનપ્રેમ ન્યૂયોર્કથી આવતાં પ્લેનમાં લખેલી તેમની આ ગઝલમાં  માણેલો. તો તેમની આ ખૂબ પ્રખ્યાત ગઝલ પણ તેમની પાસે જ સાંભળેલી. આજે તેમનાં જન્મદિને  સલામ સાથે…

 

.


2 Comments to “ઈ-મેલમાં : ‘આદિલ’ મન્સૂરી”

  1. Lata Hirani says:

    ક્યા ખૂબ કહી ………..

  2. આદિલસાહેબના સ્વમુખે આ ગઝલ સાંભળી હતી એ આજે વાંચી…

    આભાર!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME