આઝાદ ગઝલ : શ્યામ સાધુ

(source : web)
(source : web)

ક્યાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે.

દોસ્ત મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે.

પંખીઓનાં ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
ઓ હ્રદય ! બોલો કે આ કેવી ઘડી છે.

આવ મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?

- શ્યામ સાધુ

સુધીર અંકલની આઝાદ ગઝલ આપણે માણી જેમાં દરેક મિસરામાં એક આવર્તન ઉમેરાતું જાય છે,  જ્યારે શ્યામ સાધુની આ ગઝલમાં દરેક મિસરામાં સાનીમિસરાને અનુલક્ષીને ક્રમશ: આવર્તનની વધઘટ થાય છે.  તો સુધીર અંકલે જેમ મિસરામાં એક એક આવર્તન ઉમેર્યું તેમ એક એક આવર્તન ક્રમશ: બાદ પણ કરી શકાય. ( ઉલ્ટો પિરામિડ ?!!) એટલે કે, મિસરાના સ્તંભમાં વધઘટ થઈ શકે એમાં કોઈ બંધન નથી.  મઝહર ઈમામે તેને આઝાદ ગઝલ નામ આપ્યું જેમાં આવર્તન કેટલાં રાખવા તેની આઝાદી રચયિતાને મળે છે, જેથી ગઝલ વધુ રુચિકર બને.   ૧૯૬૨માં મઝહર ઈમામે પોતાના પ્રથમ સંગ્રહમાં આઝાદ ગઝલ મૂકેલી.  ( સંદભૅ : હનીફ સાહિલ, ગઝલ વિશ્વ )

જોકે, ગઝલ નામે લાગણીની હવેલી ખડી કરવા માટે હ્રદયને સ્તંભની ક્યાં જરુર ?!! બસ, પંખીના ગીત જેવી એક ટળવળતી ઈચ્છા જોઈએ… !!

.


the attachments to this post:

(source : web)
stream


4 Comments to “આઝાદ ગઝલ : શ્યામ સાધુ”

  1. sudhir patel says:

    શ્રી શ્યામ સાધુની આ પ્રસિધ્ધ આઝાદ-ગઝલ ફરી માણવાની મજા આવી.
    આઝાદ-ગઝલના પ્રકાર પર વધુ પ્રકાશ પાડવા માટે પણ ખાસ આભાર!
    સુધીર પટેલ.

  2. pragnaju says:

    ગઝલની સાથે આ પ્રકારના પ્રકાર વિષે સરસ માહિતી જાણવાની મળી
    આભાર

  3. સુંદર જાણીતી ગઝલ…

    આઝાદ ગઝલ વિશેનો એ લેખ વાંચ્યો જ છે… બધાની પોતપોતાની માન્યતા અને વ્યાખ્યા હોઈ શકે… બધા ‘આઝાદ’ છે !

    અંગતપણે હું એવું માનું છું કે આઝાદ ગઝલમાં કોઈ બંધન ન હોય… ન એક જ છંદ બધા મિસરામાં વાપરવાનું બંધન હોય, ન નિયત માત્રામાં આવર્તન વધ-ઘટ કરવાનું બંધન હોય… આ એક પ્રયોગ છે અને પ્રયોગની કક્ષાએ સંપૂર્ણતઃ આવકાર્ય છે…

  4. Bharat Atos says:

    આઝાદ ગઝલ વિશેની માહિતિ આપવા બદલ પિન્કિબેન આપ્નો આભાર.
    સુંદર ગઝલ.
    “આવ મારા રેશમી દિવસોના કારણ,
    જઁદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે!!”
    સુંદર શેર.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME