આવ્યો છું : સુધીર પટેલ

 

નવી ઘોડી, નવો કૈં દાવ લઇને આવ્યો છું,
પુરાણી દોસ્તીનો સાવ તાજો ઘાવ લઇને આવ્યો છું.

ગળે જો ઊતરે બે વાત મારી કોઇને,
કરે મનમેળ રાતોરાત એ સુઝાવ લઇને આવ્યો છું.

બધે તો હું જીવું છું લોકોની મરજી મુજબ,
નગર તારે મને ગમતો બધો વર્તાવ લઇને આવ્યો છું.

મને ક્યાં સાંભળ્યો છે ધ્યાન દઇને કોઇએ ?
ધરે તું કાન પર એથી અહીં સૌ રાવ લઇને આવ્યો છું.

નથી જોતી કોઇ ઓળખ હવે મારે ‘સુધીર’,
હું ગુજરાતી ગઝલનો આખરી સિરપાવ લઇને આવ્યો છું.
                                                        

- સુધીર પટેલ

 

ગરમીમાં આઝાદ-ગઝલની મોસમ ચાલી રહી છે, ત્યારે સુધીરઅંકલની એક ઓર આઝાદ- ગઝલ…….  જેમાં દરેક શેરમાં ઉલા મિસરા અને સાની મિસરામાં આવર્તન એક સમાન છે. પણ ઉલા મિસરા અને સાની મિસરામાં આવર્તન અલગ અલગ છે. ત્રણેય રચના એકસાથે એટલે જ મૂકી જેથી આવર્તનમાં લેવાતી ‘આઝાદી’  વિશે જાણી શકીએ. વાત જ્યારે પ્રયોગની હોય ત્યારે તેનાં સ્વરૂપને ન્યાય કરવામાં કાવ્યત્વ – તેના આત્માને અજાણતાં જ અન્યાય થતો હોય એવું બને છે. પણ ત્રણેય આઝાદ-ગઝલ ‘ ગુજરાતી ગઝલનો સિરપાવ’ બની તેનાં આત્માને પણ જીવંત રાખે છે. 

 

 

 

.


7 Comments to “આવ્યો છું : સુધીર પટેલ”

  1. સુંદર ગઝલ…

  2. Jyotindra Khandwalla says:

    સુધીરભાઇ,
    સુન્દર ગઝલ. અભિનંદન.

  3. વાહ સુધીરભાઈ!
    સુંદર ગઝલ બની છે,રદિફ અને કાફિયા બન્ને પરસ્પર સરસ અને સહજ રીતે ઓગળી શક્યા છે અને એટલે જ એકદમ પ્રવાહિતતા નિભાવી શકાઈ છે.
    અભિનંદન.
    નવેસરમાં મારી એક ગઝલનો રદિફ પણ-”લઈને આવ્યો છું”-છે,જરા જોઇ જવા વિનંતિ
    મજા આવશે.

  4. Bharat Atos says:

    સુંદર ગઝલ.

  5. સુંદર ગઝલ. માણવાની મઝા પડી.

  6. sapana says:

    ગળે જો ઊતરે બે વાત મારી કોઇને,
    કરે મનમેળ રાતોરાત એ સુઝાવ લઇને આવ્યો છું
    વાહ્!!
    સપના

  7. સુધીરભાઇ, લાજવાબ ગઝલ છે. છેલ્લો શેર તો બહુ જ ગ્મ્યો. આવી સરસ ગઝલોથી ગઝલની દુનિયા રળિયાત છે.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME