પ્રેમીની મૂર્તિપૂજા : કલાપી

 

કર તું કંઈએ, કર તું કંઈએ, મધુ તેથી બને વધુ શું કદિએ ?

તુજ કાર્ય સહુ દિલ નિત્ય સ્મરે, વધુ નિર્મળ શું ઉર પૂજી શકે ?

કંઈ બોલ અને દિલ ઈચ્છતું, કે કંઈ બોલ તું બોલ સદા જ પ્રિયે !

તુજ વાણી સદા સુણતો જ રહું, ઝરતાં ફુલ એ વીણતો જ રહું.

તુજ એ સ્વર ગાયનમાં સ્મરતાં, વળી ઓર જ ધૂન મચે ઉરમાં,

તુજ યાચક આ ઉર થાય, પ્રિયે ! ફરીને ફરી એ સ્વર માગી જ લે.

ઉર ઈચ્છતું કે હજી ગા તું પ્રિયે ! નવ થોભ, કશું પણ ગા જ પ્રિયે !

કંઈ દે કંઈ લે સહુ ગીત મહિં, વ્યવહાર બધાં કર ઓ સ્વરથી.

હુકમો સહુ ગાયનથી કરજે ; મુજ ઝિંદગીએ સ્વરથી ભરજે,

તુજ નૃત્ય સ્મરૂં ? ભૂલું ભાન, પ્રિયે ! કંઈ પ્રશ્ન કરૂં સ્મરી નૃત્ય, પ્રિયે !

ક્યમ ઊર્મી બની ન તું વારિધિની, બસ નાચત દિવસને રજની !

ઘુઘવાટ વળી તુજ હું બનતે, હસતો નકી તાલ દીધા કરતે.

કર તું કંઈએ, કર તું કંઈએ, કરુણાર્દ્ર પ્રભુ પ્રતિ કાર્ય પરે ;

તુજ શું તુજ શું થી મધુતર છે ? વળી નિર્મળ શું તુજ શું થી પ્રિયે !

સ્મરતાં સ્મરતાં સ્મરણે ચડ્યું જે બસ પૂજીશ પૂજીશ તે જ પ્રિયે !

- કલાપી

 

ગુજરાતી સાહિત્યનાં કલાપીની પુણ્યતિથિએ આજે તેમની એક રચના, જે તે સમયનાં પ્રવાહ મુજબ અંગ્રેજી સાહિત્યકારોનાં પ્રભાવ હેઠળ રચેલી.  વિલિયમ શેક્સપિયરનાં નાટક ‘ વિલિયમ ટેલ’ નાં અમુક અંશનું ભાષાંતર કરેલ છે. આંતરાનુપ્રાસ અને પુનરુક્તિ કાવ્યને વધુ લયાન્વિત કરે છે.

 

 

.


2 Comments to “પ્રેમીની મૂર્તિપૂજા : કલાપી”

  1. sudhir Patel says:

    કવિ શ્રી કલાપીની પુણ્ય-તિથિએ એમને નત-મસ્તક શ્રધ્ધાંજલી! એમને યાદ કરવા બદલ પીંકીબેનનો પણ આભાર.
    સુધીર પટેલ.

  2. વેબ મહેફિલને ‘ડે મહેફિલ’કરાર આપવા જેવો છે…

    કેટલું યાદ રાખો છો, દોસ્ત !!

    આભાર…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME