રિક્ત ઘરમાં ચંદ્ર આવે : ડૉ. દિલીપ મોદી

 

ના બનેલી એક ઘટનાનો અચાનક અંત આવે,
સૂર્ય ડૂબ્યો, કોઈ પડછાયાની તો યે ગંધ આવે.

માર્ગ લંબાતો ગયો ને જાય વધતી આ તરસ પણ,
આ સફરમાં માત્ર રણ આવે ને રણમાં ઊંટ આવે.

દોરડે બંધાય મુશ્કેટાટ સઘળી ભીની ઇચ્છા,
દોડવા માટે ચરણને ક્યાં દિશા કે પંથ આવે ?

રાતભર કાતિલ પ્રતીક્ષા બાદ ખોલું દ્વાર ત્યારે,
આભમાંથી તૂટી જઈને રિક્ત ઘરમાં ચંદ્ર આવે.

આટલામાં ક્યાંક ખોવાઈ ગયું હોવાપણું લ્યો,
શોધવા એને નયન આવે પરંતુ અંધ આવે.

હાથમાં તલવાર ખુલ્લી રાખીને તાક્યા કરે કૈં,
કાળી રાતો લઈ અજંપો શ્વેત – ઢગલેબંધ આવે.

જિંદગી ખુદ સાવ કોરો એક કાગળ હોય જાણે,
એની પર બે અક્ષરોનો કોણ લઈ આનંદ આવે ?

- ડૉ. દિલીપ મોદી

 

” ના બનેલી ઘટના ” નો અચાનક અંત અને તેના પડછાયાની તો યે ગંધ … ?!!   સઘળી ‘ભીની’ ઇચ્છાની તરસ જેમ વધે તેમ તેનો મારગ લંબાતો જ જતો હોય છે.  અને જિંદગીની સફરમાં હોવાપણું પણ ખોવાઈ જતું હોય છે.  નિરાશાત્મક ગઝલ – કોરા કાગળ જેવી જિંદગી પર બે અક્ષરોની ઘટનાનો અનેરો આનંદ લઈને આવે છે, અને ત્યારે રિક્ત ઘરમાં ચંદ્ર આવે તેવી જ સુંદર અનુભૂતિ થાય છે.

 

 

.


3 Comments to “રિક્ત ઘરમાં ચંદ્ર આવે : ડૉ. દિલીપ મોદી”

  1. એકેએક શેર ભાવવાહી …

    ખુબ સુંદર ગઝલ …

    ના બનેલી ઘટનાનો અંત આવવાની વાત અને પડછાયાની ગંધ આવવાનું કલ્પન .. કેટલું અદભૂત ..
    કાતિલ પ્રતિક્ષા વિશે અન્ય શેર પણ ઘણાં છે પણ આ શેરમાં જે રીતે ચંદ્રનું તૂટીને ખાલી ઘરમાં આવવાની વાત કેવી કરૂણ…

  2. સુંદર રચના…

    રમલ છંદ અને દિલીપ મોદી જાણે એક-મેકના પર્યાય ન હોય!!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME