ભાસ ચાલે છે : હેમંત પૂણેકર
ભાસ ચાલે છે, રાસ ચાલે છે,
કંઈક અજબ આસપાસ ચાલે છે.
કાળના ગર્ભમાં આ ઘટનાઓ,
ક્યાંથી પહોંચી, તપાસ ચાલે છે.
જાત બાળુ છું જાતને જોવા,
અંદર એનો ઉજાસ ચાલે છે.
ક્યાં પકડમાં એ પાંચ આવે છે,
એ જ અજ્ઞાતવાસ ચાલે છે.
થોડો મેલો તો હું થવાનો છું,
જ્યાં સુધી આ લિબાસ ચાલે છે.
શૂન્યમાંથી બન્યો છું હું ’હેમંત’,
શૂન્ય બનવા પ્રયાસ ચાલે છે.
- હેમંત પૂણેકર
ઈન્ટરનેટનાં આપણાં મિત્રો હેમંતભાઈ નાં નામ કે કામથી જરા પણ અજાણ નથી. આજે માણીએ તેમની મને ગમતી એક ગઝલ …. રસદર્શન તેમનાં જ શબ્દોમાં !
” જૂના મંદિરોની રચનામાં એક ગર્ભગૃહ હોય છે. એમાં નીચે ઉતરવાના પગથિયાં હોય છે. મોટેભાગે બારી જેવું કંઈ હોતું નથી. આવા અંધારામાં તમને પૂજારી લઈ જાય છે. તમારા હાથમાં કપૂર છે જેને પૂજારી એની પાસેના દીપથી સળગાવે છે અને એ પ્રકાશમાં તમે ઈશ્વરનું દર્શન કરી શકો છો.
આ આખી ક્રિયા પ્રતિકાત્મક છે. મંદિરનું ગર્ભગૃહ એ માણસનું મન છે. ગુરુ (પૂજારી) તમારો હાથ પકડીને મનની અંધારી ઓરડીમાં લઈ જાય છે. પગથિયા ઉતરવા એટલે મનમાં ઊંડા ઊતરવું. ઊંડે ઉતરીને ગુરુ એની પાસેના જ્ઞાનરૂપી અગ્નિથી તમારી કપૂર જેવી વાસનાઓનું દહન કરે છે. અને જ્યારે એ વાસનાઓ સળગવા માંડે ત્યારે એ જ્ઞાનરૂપી પ્રકાશમાં માણસને ઈશ્વરનું દર્શન થાય છે. આ વાસનાઓ આપણા અસ્તિત્વનો જ એક ભાગ છે, એ સળગે તો એના પ્રકાશમાં મનમાં ઊંડે ઘણું બધુ જોઈ શકાય. આ વાત પરથી એક શેર લખ્યો અને લખાઈ આ ગઝલ : ભાસ ચાલે છે… ”
ખૂબ જ સરળ અને સહજ શબ્દોમાં ગહન વાત હેમંત ભાઈએ કરી છે. આપણી આસપાસ રચાતાં ભાસ ( ભ્રમ ) રુપી અંધકારને દૂર કરવા જાત બાળીને અજવાળું ( બ્રહ્મ ) ફેલાવ્યું છે, પણ જ્યાં સુધી દેહ પર જાતજાતનો લિબાસ રહેવાનો ( મોહ,માયા, સંબંધ, હોદ્દો ) ત્યાં સુધી મેલો તો થવાનો જ. અને જ્યાં સુધી પંચેન્દ્રિયનો અજ્ઞાતવાસ પકડમાં નહીં આવે ત્યાં સુધી તો લિબાસ દૂર કરવો પણ સહેલો નથી.
.

સાદ્યંત સુંદર ગઝલ… પંચેન્દ્રિયવાળી વાત સાંભળી ર.પા.નું હસ્તાયણ યાદ આવી ગયું..
ગઝલનું ઊંડાણ સ્પર્શી ગયું.
ગમી જાય એવી ગહન ગઝલ.
ખૂબ સુન્દર ગઝલ…આખી ગઝલ ગમી ગઇ…સુન્દર પસન્દગી બદલ અભિનંદન..
શરુઆતમાં સારા શેર શોધવા બેઠો-એક પછી એક ચેક કરતો ગયો.પછીથી લાગ્યું.આ સારો છે ને તે સારો છે.એમ કરતાં પુરી ગઝલ ગમી ગઇ- પ્રીતિજી તમારી પસંદ ગમી
ગહન ભાવને સરળ બાનીમાં રજૂ કરતી સુંદર ગઝલ!
સુધીર પટેલ.
વાહ… આખી ગઝલ ગમી જાય એવી છે.કવિને અભિનંદન ને પીન્કીબેનને સરસ ગઝલ મૂકવા બદલ અભિનંદન…
આગળ મિત્રો જે જણાવ્યું એ સાથે સહમત થવાનો આનંદ છે.