ચોપાટને સંકેલીએ : રજનીકાંત સથવારા

 

સાવ નક્કામી નથી, સારીય છે,
એક રેખા હાથમાં તારીય છે.

જેટલી ભૂલ્યા કરી છે મેં તને,
એટલી ક્યારેક સંભારીય છે.

મેં મને મારા મહીં રહેવા દીધો,
ભૂલ એમાં કંઈક તો મારીય છે.

ડામ ઉપર ડામ જ્યાં દીધા હતા,
એ સમયની પીઠ પસવારીય છે.

મેં જ વિસ્તરતી મૂકેલી તે છતાં,
વેદનાને ક્યાંક તો વારીય છે.

એટલો હું કાંઈ પાવરધો નથી,
જિંદગી સામે શરત હારીય છે.

ચાલ આ ચોપાટને સંકેલીએ,
સોગઠામાં એક સોપારીય છે.

- રજનીકાંત સથવારા

 

વિસ્તરતી વેદનાને વારવાના પ્રયત્નો કરતાં કરતાં અજાણતાં જ આપણે  ડામ દેતાં સમયની પીઠ પસવારીને ખુદને જ સંભાળી ‘સમય’ ને સાચવી લઈએ છીએ.  જિંદગી સામે સતત હાર્યા કરવું એનાં કરતાં ચોપાટને સંકેલીને સોગઠામાં શુકનની એક સોપારી મૂકેલી સારી … !!  પહેલી નજરે ગઝલ કદાચ નકારાત્મક લાગે, પણ રદ્દીફ ‘ ય છે ‘ આખીય ગઝલને પરોક્ષ રીતે હકારાત્મક બનાવે છે. 

 

 

.


8 Comments to “ચોપાટને સંકેલીએ : રજનીકાંત સથવારા”

  1. સરસ રચના.

    ચાલ આ ચોપાટને સંકેલીએ,
    સોગઠામાં એક સોપારીય છે.

  2. sudhir Patel says:

    સરસ ગઝલ!
    સુધીર પટેલ.

  3. ખૂબ જ સુંદર ગઝલ… ગમતા શે’રોની પસંદગી કરવી અઘરીયે લાગી અને સરળ પણ… વાંચતાવેંત આખ્ખી જ ગઝલ ગમી ગઈ !!

    પિંકી, અહીં રદીફ ‘આરીય છે’ છે, fyi.

  4. sunil shah says:

    સરસ..ઝટ ગળે ઉતરી જાય તેવી ગઝલ.

  5. Prarthana says:

    કવિ ને અભિનન્દન્.. સુન્દર ગઝલ..

  6. sapana says:

    સરસ ગઝલ.

    સપના

  7. જેટલી ભૂલ્યા કરી છે મેં તને,
    એટલી ક્યારેક સંભારીય છે.

    ચાલ આ ચોપાટને સંકેલીએ,
    સોગઠામાં એક સોપારીય છે.

    - સુંદર ગઝલ… આ બે શેર ખૂબ જ ગમી ગયા…

    અહીં રદીફ ‘ય છે’ છે… સોપારી, સંભારી, હારી, વારી – કાફિયા છે… એમાં ‘રી’ને રદીફનો ભાગ ન ગણી શકાય…

  8. Pinki says:

    Thanks …. vivekbhai,

    I thought same and even wrote, too …. !!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME