ચોમાસું ક્યાંક આસપાસ છે : તુષાર શુક્લ
આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલ ઉપર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે;
ગાલો પર લજ્જાની….. આંખોમા બેઠેલા o
કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;
ગાલો પર લજ્જાની….. આંખોમા બેઠેલા o
- તુષાર શુક્લ
બે-ત્રણ દિવસથી વાદળાં અવનવાં રંગોથી આકાશને રંગી અદ્.ભૂત દ્ર્શ્યો સર્જીને અમદાવાદને વરસાદ માટે લલચાવી રહ્યાં છે , તો આંખોને પણ ચાતક નજરે પહેલા વરસાદનું સમણું જોવા મજબૂર કરે છે. અને ત્યારે તુષારભાઈનું આ ગીત જ યાદ આવેને …. ?!! વરસાદી વાર્તાઓ વાંચીને મન ન ભીજાય તો લીલુંછમ ચોમાસું ન આવે ત્યાં સુધી આ ગીત આરતી મુન્શી અને પરાગી પરમાર નાં સ્વરમાં સાંભળીને મન મનાવીએ … ?!!
.

મારું ખુબ જ પ્રિય ગીત … !!
સરસ.
લયસ્તરો પર આ ગીત મૂક્યું હતું ત્યારે લખ્યું હતું:
“હસ્તાક્ષર”ના સમગ્ર સંપુટમાં કદાચ સૌથી વધુ સુંદર રીતે સ્વરાંકિત થયેલી આ રચના છે… જેટલી વાર સાંભળો એટલી વાર વરસાદમાં ભીંજાવું અને વિરહની કોરપ એકસાથે અડતી હોય એવું લાગે… ગાયિકાના ગળામાં કોઈ રણતરસ્યું ચાતક આવી બેઠું હોય એવી તડપ છે જાણે !
- આજે પણ આ અનુભૂતિ બદલાઈ નથી…
ખુબ સરસ…