લીલુંછમ ચોમાસું : વિપિનકુમાર કિકાણી

 

મારા મનનું ગીત એટલે લીલુંછમ ચોમાસું,
પહેલી પહેલી પ્રીત એટલે લીલુંછમ ચોમાસું !

બીજું બધું હું કાંઈ ન જાણું હું તો એટલું જાણું ;
બે હોઠોનું સ્મિત એટલે લીલુંછમ ચોમાસું !

સપને પણ જે ના દીઠેલો, સંગ શું તેનો કરવો ?
માનેલો મનમીત એટલે લીલુંછમ ચોમાસું !

સાચવનારો સાવ ગુમાવે, વાપરનારો પામે ;
પ્રેમની આવી રીત એટલે લીલુંછમ ચોમાસું !

હાર એટલે તો બળબળતા ઉનાળાના દહાડા !
મારે મન તો જીત એટલે લીલુંછમ ચોમાસું !

ઝરણાં ઝાંઝર, પવન વાંસળી, ઈન્દ્રધનુષી સરગમ ;
કુદરતનું સંગીત એટલે લીલુંછમ ચોમાસું !

બળબળતા બપોરે પણ મનમોરને એવું લાગે ;
હોય ગઝલ કે ગીત એટલે લીલુંછમ ચોમાસું !

- વિપિનકુમાર કિકાણી

 

ઉનાળાની બળબળતી બપ્પોરે આપણે તડકીલું ગીત માણ્યું’તું….. તો રોજેરોજ વરસાદને સાદ દેતાં વાદળાંને જોઈને મનને લીલાંછમ ચોમાસામાં આમ જ  ભીંજવવું પડેને ?!!  આંખોમાં બેઠેલાં ચાતક પણ હવે તો કહે છે કે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે.

 

 

.


6 Comments to “લીલુંછમ ચોમાસું : વિપિનકુમાર કિકાણી”

  1. લીલાછમ્મ ચોમાસાની આ વ્યાખ્યાનું વર્ણન હ્રદયગમ્ય અને હ્રદયસ્પર્શી બન્યું છે.
    -અભિનંદન.

  2. sudhir Patel says:

    વગર વરસાદે ભીંજવે એવી તરબોળ ગઝલ!
    સુધીર પટેલ.

  3. સુંદર રચના… કલ્પનની તાજગી ભીંજવી દે એવી છે…

  4. vishwadeep says:

    ઘણુંજ સુદર ભાવો સાથે વણેલી રચના..

  5. સાચવનારો સાવ ગુમાવે, વાપરનારો પામે ;
    પ્રેમની આવી રીત એટલે લીલુંછમ ચોમાસું !

    khub j saras line

    I invite you pls visit my blog & leave your valuable comment

    http://www.aagaman.wordpress.com

    Mayur

  6. ચોમાસાને ભાવોને તાજગીસભર રીતે રજૂ કરતી રચના.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME