ગઝલ : મુકુલ ચોકસી

 

આપણી અંદર મરી પરવારી ગયેલા કોઇએ,
બાગમાં પથ્થર બનીને જન્મ લેવો જોઇએ.

સ્વપ્નના ફાનસના અજવાળામાં જેને જોઇએ,
ખુલ્લી આંખોના આ અંધાપામાં તેને ખોઇએ.

ચાલુ ટ્રેને બારી પાસે બેસવાની વાતમાં,
બારીમાંથી કૂદવા જેવું ઝગડતા હોઇએ.

આંસુની અધિકૃત વિક્રેતા છે થોડી આંખ આ ?
ખાત્રીપૂર્વકનું ને જથ્થાબંધ ક્યાંથી રોઇએ !

પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
કંઇક ઉપરવાસમાં વરસાદ જેવું જોઇએ.

ખાઇ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત !
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઇએ.

- મુકુલ ચોકસી

 

અંદરથી કોઈ મરી પરવારે તેણે ખુલ્લી આંખોના અંધાપામાં ખોવાનું જ આવેને ?! અધિકૃત વિક્રેતા , જથ્થાબંધ , સ્થાનિક, … નવાં જ કલ્પનો, તો ચાલુ ટ્રેને બારી પાસે બેસવાની લડાઈની વાત – ગઝલને તો ખાઇ પીને નાહવા જેવી જ સરળ બનાવી દે છે.  પણ લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઇએ…. વાંચીને અંદર ક્યાંક કશુંક જીવતું … તરત બાગમાં પથ્થર બનીને જન્મ લેવા તૈયાર થઈ જાય છે.

 

 

.


6 Comments to “ગઝલ : મુકુલ ચોકસી”

  1. એકેએક શેર લા-જવાબ …

  2. ચિરયુવાન ગઝલ…

  3. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

    લોહી વહે ત્યારે જ કાગળને આગળ ધરવો જોઈએ
    લોહિયાળ અક્ષરોને વાંચતા આવડવું પણ જોઈએ.

  4. larani says:

    અદભુત્…..

  5. જાણીતી અને લોકપ્રિય ગઝલ.

  6. neeta says:

    પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
    કંઇક ઉપરવાસમાં વરસાદ જેવું જોઇએ.
    ખુબ સરસ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME