ચાલ્યો જઈશ : અનિલ ચાવડા

 

ગામ પાદર ઘર ગલી ઓળંગીને ચાલ્યો જઈશ,
હુંય મારા ભાગ્યની ક્ષણ જીવીને ચાલ્યો જઈશ.

છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ,
હું જગત પાસે મને વંચાવીને ચાલ્યો જઈશ.

પુષ્પમાં સુગંધ મૂકી, વૃક્ષને ભીનાશ દઈ,
કોઈ પંખીના ગળામાં ટહુકીને ચાલ્યો જઈશ.

રાતના ઘરમાં પડેલું સૂર્યનું ટીપું છું હું,
કોડિયામાં સ્હેજ અમથું પ્રગટીને ચાલ્યો જઈશ.

છે સ્વજન દરિયા સમા, ના આવડે તરતા મને,
હું બધામાં થોડું થોડું ડૂબીને ચાલ્યો જઈશ.

- અનિલ ચાવડા

 

નોખી વાત ને નોખી ભાત … અનિલની કલમની રીત !!  દુન્યવી  વાસ્તવિકતાને અનિલ કેવી બખૂબીથી રજૂ કરે છે.  દુનિયામાં સૌ પોતપોતાનાં ભાગ્ય લઈને આવ્યા અને અંતે તો આ દુનિયા છોડી જવાનાં જ …… આ હકીકત તો આપણે સૌ પણ જાણીએ છીએ પણ પુષ્પનેય સુગંધ આપવા માંગતો, વૃક્ષને ભીનાશ દેતો, અને કોઈ પંખીનો ટહુકો બનતાં માણસને ક્યાં સુધી ટપાલની જેમ વાંચશો ?  સંબંધોનાં સમંદરને તરી ના શકાય તો થોડું થોડું ડૂબી જોઈએ !  સૂર્યનું જ એક ટીપું આમ કો’ક કોડિયામાં પ્રગટી જતું હશે ને …. ?!!

 

 

.


8 Comments to “ચાલ્યો જઈશ : અનિલ ચાવડા”

  1. સાદ્યંત સુંદર ગઝલ.. બધા શેર મનભાવન થયા છે… અનિલની આગવી શૈલી નોખી ભાત નીપજાવે છે…

  2. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

    ઠંડો પવન ઠંડીમા થથરાવી નાખે.પણ તાપણાની આસપાસ બેઠા હોઈએ તો કેવું સારું લાગે?અલગ અલગ પરિસ્થિતિઓનો એક માણસ “હું પણ ચાલી જઈશ”એવું કહેતો કેવો ઊભો છે અહીં?

    “હુંય છું સહુ માનવીઓમાં એક માનવ
    સહુની સાથે હું પણ ચાલી જઈશ.
    એક બળે ને એક પર બને તાજમહાલ.
    સહુને જોતો હું પણ ચાલી જઈશ.”

  3. sapana says:

    પુષ્પમાં સુગંધ મૂકી, વૃક્ષને ભીનાશ દઈ,
    કોઈ પંખીના ગળામાં ટહુકીને ચાલ્યો જઈશ.
    છે સ્વજન દરિયા સમા, ના આવડે તરતા મને,
    હું બધામાં થોડું થોડું ડૂબીને ચાલ્યો જઈશ.

    ખૂબ સરસ ગઝલ છે.અર્થાપૂર્ણ…સરસ

    સપના

  4. sudhir Patel says:

    સુંદર ગઝલ અને સરસ રજૂઆત!
    સુધીર પટેલ.

  5. હંમેશ ની જેમ સુંદર ગઝલ અનિલ..

    “રાતના ઘરમાં પડેલું સૂર્યનું ટીપું છું હું,
    કોડિયામાં સ્હેજ અમથું પ્રગટીને ચાલ્યો જઈશ.”

    તું ભલે સૂર્યનું ટીપું હોય પણ અમથું પ્રગટી ને નહિ પણ દુનિયાને અજવાળી જાય તેવી શુભેચ્છાઓ.

  6. kirankumar chauhan says:

    શાનદાર ગઝલ.

  7. rekha says:

    છે સ્વજન દરિયા સમા, ના આવડે તરતા મને,
    હું બધામાં થોડું થોડું ડૂબીને ચાલ્યો જઈશ.

    સરસ….

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME