થાય છે : ગૌરાંગ ઠાકર

( ગૌરાંગ ઠાકર )
ઝાડ પહેલાં મૂળથી છેદાય છે,
એ પછીથી બારણું થઈ જાય છે.
આ ગગનચુંબી ઘરો સર્જાય છે,
આભ તો પંખીનું ઓછું થાય છે.
એમને તું કેમ છત્રી મોકલે ?
જે અહીંયા જાણીને ભીંજાય છે.
સ્વપ્ન જેવું હોય શું એ બાળને ?
ડાળે જેનું ઘોડિયું બંધાય છે.
આજ ઈચ્છાનાં હરણો હાંફો નહીં,
ખૂબ પાસે જળ સમું દેખાય છે.
કોઈને પથ્થર હ્રદય કહેશો નહીં,
આંસુ પથ્થરનાં ઝરણ કહેવાય છે.
એકલા આવ્યાં, જવાનાં એકલાં,
પણ અહીં ક્યાં એકલા જીવાય છે ?
- ગૌરાંગ ઠાકર
દિપાવલીનાં શુભ પર્વે, ગૌરાંગભાઈ નામે – કોડિયાંએ ગુજરાતી સાહિત્યને અજવાળ્યું’તું, તો આજે આઈ.એન.ટી. સંસ્થાનો પ્રતિષ્ઠિત ‘ શયદા’ એવૉર્ડ મેળવી તે દીપ વધુ ઝળહળ્યો છે. એમનો ફોન બરાબર છે ને રેન્જમાં….. !! ગૌરાંગભાઈનાં હિસ્સાનો સૂરજ ગુજરાતી સાહિત્યને વધુ દેદીપ્યમાન કરે તેવી અંતરની શુભેચ્છાઓ સહ… આજે માણીએ મારી, તમારી નહીં – એમની મનગમતી ગઝલ.
ઝાડ એટલે કે પ્રકૃતિ એટલે કે મનની મોકળાશ – એને છેદવાની વાત એટલે કે જાણે, મનની બંધનાત્મક સ્થિતિ…. પણ ત્યાં જ ‘બારણાં’ની વાત કરી કવિ એક આશ જગાવી જાય છે, જો કે જેને ઝાડ સોંસરવું છે, તે તો ઝાડ સાથે છેદાઈ જ ગયું હોય પણ ….. જોકે, એક ઉત્તમ શેર તો આપણને મળે જ છે. પણ કવિકર્મ સાથે મનુષ્ય કર્મ કરતાં કવિ , બીજા શેરમાં skyscrapers સમાન મનુષ્યની પ્રગતિ – માં અટવાતાં પંખીઓનાં આભનું શું ? એમ પૂછી જ લે છે. For us, Sky is the limit !! પણ એને પણ પોતાનું આકાશ જોઈએને ? પ્રકૃતિથી નાળવિચ્છેદ કરી, સ્વતંત્ર થઈ મનુષ્ય શું પ્રગતિ સાધી શકશે ? ના, કદાચ સ્વચ્છંદ બની કોઈનું આકાશ જ છીનવી શકે. તેમનો જ છેલ્લો શેર કહે છે એમ, ” એકલા આવ્યાં, જવાનાં એકલાં,
પણ અહીં ક્યાં એકલા જીવાય છે ? “
.
the attachments to this post:



કવિને ખુબ ખુબ અભિનંદન …
એકેએક શેર લા-જવાબ …
મૂળથી છેદાઈને બારણું થવાની વાત કેવી વેધક !
એ ઉપરાંત શેર ક્રમાંક ૨,૪,૫ અને ૬ ખાસ ગમ્યાં…
ગૌરાંગભાઈને હૃદયથી અભિનંદન..
મારી પણ મનગમતી ગઝલ તમે મૂકી છે પિંકીબેન.
અભિનંદન !! શુભેચ્છાઓ!!
દરેક શેર ચોટદાર છે
ગૌરાંગભાઈને શયદા એવોર્ડ બદલ હાર્દિક અભિનંદન. સરસ ગઝલ.
તરત જ ગમી જાય એવી સુંદર ગઝલ… આભાર પિંકી.
શયદા-એવોર્ડ બદલ અઢળક અભિનંદન, ગૌરાંગભાઈ.
ગૌરાંગભાઈને શયદા અવોર્ડ બદલ દિલી અભિનંદન અને શુભકામનાઓ!
ખૂબ જ સુંદર ગઝલ!
સુધીર પટેલ.
“કોઈને પથ્થર હૃદય કહેશો નહીં,”
આંસુ પથ્થરનાં ઝરણ કહેવાય છે.
બ્રહ્મવાક્ય છે આ.કોતરીને હૃદયમાં રાખવા જેવું.
મૃગજળ સાંભળશે તો રણ બધાં ઝરણ થઈ જશે.
સરસ ગ્ઝલ. અભિનંદન અને શુભેચ્છાઓ !!
સપના
ખુબ ખુબ અભિનંદન.
યોગ્ય વ્યક્તિને યોગ્ય ઍવોર્ડ.
ગૌરાંગભાઈને શત-કોટિ અભિનંદન !!!
… ખેર… શયદા એવૉર્ડ તો એમને મલવાનો જ હતો… વસ્તુસ્થિતિ એ છે કે સમયથી મોડો મળ્યો… હવે ગૌરાંગભાઈ આગલી હરોળના ગઝલકાર બની ગયા છે, નવોદિત નથી !
Congratulation!!!