મેઘ-મુબારક : નીતિન વડગામા

 

( મેઘ-મુબારક… !! )

ભીનપવરણો આવ્યો અવસર, મેઘ-મુબારક,
ભીંજવતો એ બાહર ભીતર , મેઘ-મુબારક.

છાંટો પડતાં એકસામટાં મ્હોરી ઊઠ્યાં,
ડેલી, આંગણ ને આખું ઘર, મેઘ-મુબારક.

કાલ હતાં જે સાવ સૂના ને અવાવરું એ,
જીવતાં થાશે હમણાં પાદર, મેઘ-મુબારક.

નખરાળી નદીયું ઊભરાતી પૂર આવતાં,
અંદર પણ ઊછળતાં સમદર, મેઘ-મુબારક.

ગોરંભાતું આભ ઊતરતું આખેઆખું,
છલકાતાં હૈયાનાં સરવર, મેઘ-મુબારક.

મનના મોર કરે છે નર્તન ટહુકા સાથે,
જળનાં વાગે ઝીણાં ઝાંઝર, મેઘ-મુબારક.

વીજ અને વરસાદ વીંઝતાં તલવારો ને -
બુઠ્ઠાં બનતાં સઘળાં બખ્તર, મેઘ-મુબારક.

મોલ પછી લ્હેરાશે એમાં અઢળક અઢળક,
પલળે છે આખુંયે જીવતર, મેઘ-મુબારક.

કોઈ અગોચર ખૂણે બેસી કાન માંડીએ,
વાગે ઝીણું ઝીણું જંતર, મેઘ-મુબારક.

ડાળી થૈ ઝૂકો હું ઊઘડું ફૂલ થઈને -
સાથે કરીએ હિસાબ સરભર, મેઘ-મુબારક.

- નીતિન વડગામા

 

આ…ખરે વરસાદનો મોબાઈલ રેન્જમાં આવી જ ગયો અને અમદાવાદ પર મેઘરાજાએ ગઈકાલે રાત્રે મહેર કરી, અમીછાંટણાં કર્યાં. પહેલાં વરસાદનાં સા..દમાં નીતિનઅંકલે આ ગઝલમાં વર્ણન કર્યું છે એવી જ અનુભૂતિઓમાં હૈયું છલકાઈને તરબતર છે ત્યારે લીલુંછમ્મ ચોમાસું ‘ તો બાકી જ છે પણ તો પણ વૅબમહેફિલ પર તો વરસાદી ગીત-ગઝલોની ઝરમરમાં મન મૂકીને  ભીંજાઈશું અને આ ભીનાં અવસરને ઉજવીશું જ … છમ્મ લીલાં થઈ જઈએ એટલું .. !!

 

 

.


10 Comments to “મેઘ-મુબારક : નીતિન વડગામા”

  1. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

    વાહ ભાઈ વાહ!

  2. બહુ સુંદર ગઝલ.

  3. sudhir Patel says:

    સુંદર ગઝલ સાથે સૌને મેઘ-મુબારક!
    સુધીર પટેલ.

  4. ખરેખર મેઘટાંણે મેઘમુબારક.સુંદર રચના.

  5. sapana says:

    ખૂબ સરસ ગઝલ!

    નખરાળી નદીયું ઊભરાતી પૂર આવતાં,
    અંદર પણ ઊછળતાં સમદર, મેઘ-મુબારક.

    સપના

  6. ખૂબ જ સ-રસ ગઝલ…!

  7. સુંદર ગઝલ. આભાર!

  8. સરસ ભીની ભીની ગઝલ…

  9. શ્બ્દેશ્બ્દ ભીંજવી ગયો.આ વધારે ગમ્યું
    છાંટો પડતાં એકસામટાં મ્હોરી ઊઠ્યાં,
    ડેલી, આંગણ ને આખું ઘર, મેઘ-મુબારક

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME