શબ્દોથી રહેવાયું નહીં : રતિલાલ ‘અનિલ’
કોરું હૈયું કૈં જ ભીંજાયું નહીં ?
કેમ તેં વરસાદમાં ગાયું નહીં ?
માટીમાંથી મ્હેક ઊઠે છે ભીની,
સાવ જે છલકાય તે, પાયું નહીં ?
વાયુ ને વરસાદ પાગલ થઈ ગયા,
ભીની મોસમમાં કોઈ ડા’યું નહીં !
ગાંડી વર્ષાની ઝડી, પાગલ પવન;
તારા હૈયે કૈં જ ભટકાયું નહીં ?
ફૂલ શું, આ લીલું લીલું ઘાસ પણ,
કોણ છે એવું, જે હરખાયું નહીં ?
ભીની મોસમને ભરી લે પ્રાણમાં,
બીજ કરશે શોક : ‘ફણગાયું નહીં !’
રંજ એવો, દિલને દેવો ના ઘટે;
પર્વ, લીલું પર્વ ઉજવાયું નહીં.
કાળજે ઘુમરાય છે ભીનો અનિલ,
એટલે શબ્દોથી રહેવાયું નહીં !
- રતિલાલ ‘અનિલ’
ચોમાસાંની ભીની મોસમને પ્રાણમાં ભરી લઈ બારમાસી કોરપને ભૂલવાની મજાની વાત - આ લીલાં પર્વની ઉજવણી કર્યાં વિના શબ્દોથી પણ રહેવાયું નહીં , અને કેવાં વરસી પડ્યાં છે ? વસંત અને વરસાદ તો આમ પણ કવિની સંવેદનાને ભીની ભીની કરી દે. કદાચ એટલે જ હર્ષઅંકલ કહે છે… વાદળો ઘેરાય છે, લે લખ ગઝલ, ને ધરા વળ ખાય છે, લે લખ ગઝલ … !!
.

સરસ ભીની ગઝલ.
સપના
વર્ષાનું આગમન ભરપૂર હોવું જોઇએ તે નથી, – પણ આ રચનાએ ભીંજવી દીધા.
વરસાદની મોસમને હવે ચાર મહીનાને બદલે બાર મહીનાની કરો.
જોઈએ તો હડતાલો પાડો;બંધ પાડો;અને સરકારને મજબૂર કરો.
ચપટી વાગતાં ચોમાસું પૂરું કે આવી કવિતાઓ વાંચવા નહીં મળે.
ચોમાસું સરકાર પાસે બારમાસી કરાવો;કવિઓને બારમાસી કરો.
સુંદર કૃતિ…
ફૂલ શું, આ લીલું લીલું ઘાસ પણ,
કોણ છે એવું, જે હરખાયું નહીં ?
ભીની મોસમને ભરી લે પ્રાણમાં,
બીજ કરશે શોક : ‘ફણગાયું નહીં !’
- આ બે અર્થગર્ભિત શેર વધુ ગમી ગયા…