અજવાળાં ઝકોર ! : ભાનુપ્રસાદ પંડ્યા
આવી અષાઢની એવી વાછટ, ગઈ ભીંજાવી ચૂંદડીની કોર,
એકાએક શ્રાવણની ધરતીની જેમ, હું તો લીલીછમ થૈ ચારેકોર !
ઉંબરમાં અકળાતી જાઉં, મને ખેંચે આ સીમતણી ભીની સુગંધ,
સૂસવતા વાયરામાં ઘરનાં કમાડ હવે, કેમે ના થાય હુંથી બંધ,
સ્હેજે સ્હેવાય નહીં આઘેરા ખેતરમાં ઝિંગોરા કરી રહ્યો મોર !
હું તો લીલીછમ થૈ ચારેકોર !
શેરીના ધસમસતા વ્હેણ ભેળી સરકીને, સીમાડે ખળખળતી ભાગું ?
નદિયુંનાં પૂર બધાં ઉભરાતાં અંગ અંગ ‘હું’ માં કાં ‘હું’ જ બૂડી લાગું;
બારણાં ઉઘાડી પાસ આવ્યો જ્યાં વાલમ ત્યાં અજવાળાં ઝળ્ ઝળ્ ઝકોર !
હું તો લીલીછમ થૈ ચારેકોર !
- ભાનુપ્રસાદ પંડ્યા
જો વરસાદનો સા…દ સંભળાતો હશે તો – અષાઢમાંય શ્રાવણની જેમ લીલાંછમ્મ થૈ જાઓ એવું ગીત… !! કવિ નીતરતી જાતને સાંગોપાંગ વાતમાં ઉતારી વધુ ભીંજવે છે, અને આપણને શેરીના ધસમસતા વ્હેણ સાથે સરકીને સીમમાં ભાગવાનું એક ભીનું ભીનું ઇજન આપે છે.
.

અદભુત ગીત…
આખરી અંતરો તો શિરમોર થયો છે… સરસ મજાનો લય અને ભરપૂર કવિતાથી છલકાતું ગીત !!!
સરસ વરસાદી ગીત.ઝિંગોરા અને ઝળ ઝળ ઝકોર જેવા નવા/અપ્રચલિત શબ્દો જાણવા મળ્યા.
બ્લોગજગતમાં આજકાલ વર્ષાગીતો ધોધમાર છે. પિંકીબેન વરસાદથી લથબથ ભીંજાઈ ગયા હવે થોડાં પૂરના ગીત આપો એટલે તણાવાનો અભરખો પણ પૂરો થાય.