વરસાદ પડે છે : મૂકેશ જોશી

 

પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,
‘કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.

વાદળને આકંઠ ભેટવા દોડ્યાં સૂરજ કિરણો કે વરસાદ પડે છે,
મેઘધનુથી ભાગી છૂટ્યાં રંગ ભરેલાં હરણો કે વરસાદ પડે છે.

મૂળ વાત ડાળીને કહેવા મૂળમાંથી સમજાવે કે વરસાદ પડે છે,
નભનું પાણી દરિયાઓનાં પાણીને નવડાવે કે વરસાદ પડે છે.

છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે.

ગરમગરમ મરચાંનાં ભજિયાં લારી પર બોલાવે કે વરસાદ પડે છે,
ચટણી હો કે સોસ નહીં તો પાણી સાથે ભાવે કે વરસાદ પડે છે.

યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે,
સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.

- મૂકેશ જોશી

 

વરસતાં વરસાદની વાત ભજિયાં વિના તો અધૂરી જ ગણાયને .. ? જેમ કે, છત્રીમાં પેસીને ભીંજાતા બે જણ  ( વરસાદથી નહીં, જાલિમ જમાનાથી બચવા ) એમની વાત  મમ્મી પપ્પા માની જાય તો જ પૂરી ગણાય … !!   મૂકેશ જોશીનું એક હળવું  ગઝલનુમા ગીત.

 

 

.


3 Comments to “વરસાદ પડે છે : મૂકેશ જોશી”

  1. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

    ‘યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે,
    સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.’

    કવિતાનો છેડો પકડ્યો કે જીવનની નાવ એક છેડેથી બીજે છેડે પાર.
    પ્રેમી હો એક છેડે અને પ્રેમિકા બીજે છેડે તો પણ કવિતા તારણહાર.
    પ્રેમી મોકલે કાગળ અને ઉત્તરમાં આવે વાદળઃ’કે વરસાદ પડે છે’

  2. Neela says:

    Mukesh Joshi is really good poetry writer.

  3. Prarthana Jha says:

    Congratulations…. તમે લખો ને ત્યારે …. વરસાદ પડે છે..
    સુન્દર રચના

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME