વરસાદમાં : ‘આદિલ’ મન્સૂરી

 

varsad

 

કેટલી   માદકતા  સંતાઈ   હતી   વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી  વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ  કેટલી   ભીંતો   ચણી  વરસાદમાં !

કેટલો  ફિક્કો  અને  નિસ્તેજ  છે  બીમાર ચાંદ
કેટલી  ઝાંખી  પડી  ગઈ  ચાંદની  વરસાદમાં !

કોઈ  આવે  છે  ન  કોઈ  જાય છે સંધ્યા થતાં
કેટલી  સૂની  પડી  ગઈ  છે  ગલી વરસાદમાં !

એક તું છે કે તને  કંઇ  પણ નથી થાતી અસર,
ભેટવા  દરિયાને  ઊછળે  છે  નદી વરસાદમાં.

લાખ  બચવાના  કર્યા  એણે  પ્રયત્નો  તે છતાં,
છેવટે  ‘આદિલ’ હવા  પલળી  ગઇ વરસાદમાં.

- ‘આદિલ’ મન્સૂરી

 

આદિલસા’બની કલમથી શરુ થયેલ વરસાદમાં ગઝલ… અને આ જ રદ્દીફની અન્ય કવિઓની બાર ગઝલોનાં ધોધમાર વરસાદમાં ભીંજાઈશું આજે આખો દિવસ… !! બસ તો આજે વરસાદમાં કોઈ ભીંતો ના ચણતાં … અને પછી તો મક્તાના શેરમાં કહ્યું છે એમ, ” લાખ  બચવાના  કર્યા  એણે  પ્રયત્નો  તે છતાં, છેવટે  ‘આદિલ’ હવા  પલળી  ગઇ વરસાદમાં.”

 

 

.


the attachments to this post:

varsad
varsad


2 Comments to “વરસાદમાં : ‘આદિલ’ મન્સૂરી”

  1. વાહ ..પિંકીબેન આજે તો તરબોળ કરી દીધાં….આઠ આઠ વરસાદી કાવ્યો એક સાથે.

  2. Alpesh Patel says:

    khub saras……..

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME