વરસાદમાં : ડૉ. દિલીપ મોદી
આંખ શાને દડદડે વરસાદમાં ?
યાદનાં ફોરાં પડે વરસાદમાં.
રોમરોમે હું શ્વસું માદક ક્ષણો,
ભીતરે મસ્તી ચડે વરસાદમાં.
ઓઢીને છત્રી નીકળતો હોઉં ને,
આ પવન કાયમ લડે વરસાદમાં.
રાતભર પડખાં હું ફેરવતો રહ્યો,
જાગવાનું આવડે વરસાદમાં.
માની લે, નહિ માનવા જેવી કથા,
ટેરવાં સૂકાં અડે વરસાદમાં.
જિંદગી- ક્યાં જિંદગી છે જિંદગી ?
‘ હોવું ‘ મારું ખુદ રડે વરસાદમાં.
હરપળે શોધ્યા કરું છું હું ‘ દિલીપ ‘
વહાલનો ચહેરો જડે વરસાદમાં.
– ડૉ. દિલીપ મોદી
“I always like to walk in the rain as no one can see me crying.” : Charlie Chaplin વરસાદ જેમ વરસેને એમ તરસ કેમ વધતી જાય ? અંતરની કોરપ વરસાદે કેમેય ના ભીંજાય ? વહાલનો ચહેરો મળે ત્યારે જ ભીંજાય ? અને એટલે જ યાદનાં ફોરાં સમેત આંખ દડદડે વરસાદમાં… !!
.

આજે તો સાંબેલાધાર વરસ્યા ને કાંઈ !