વરસાદમાં : પ્રજ્ઞા વશી
આભ ગોરંભે ચડી અથડાય છે વરસાદમાં,
ને ધરાનાં ચીર પણ ધોવાય છે વરસાદમાં.
કેમ એની આંખમાં શ્રાવણ વહે વૈશાખમાં ?
રેશમી અલગાવ અહીં પોંખાય છે વરસાદમાં.
વીજ થૈને એમ તારું દૂરથી ચમકી જવું
તોય મન તો દાઝવા લોભાય છે વરસાદમાં
લાગણી ટહૂકે ભીની આ સગપણોના આભમાં,
તો ય કોયલ ભીતરે મુંઝાય છે વરસાદમાં.
પ્રેમની સિતાર જ્યાં મલ્હારતી સૂનકારમાં,
એક દરિયો આંખમાં છલકાય છે વરસાદમાં.
એક છત્તર હોય તોયે કેમ એ આઘા રહ્યા ?
કોરી કોરી આ ક્ષણો વરતાય છે વરસાદમાં.
ચોતરફ વરસાદ બસ, વરસાદ મૂશળધાર ને
બેઉ કાંઠે જિંદગી ધોવાય છે વરસાદમાં.
-પ્રજ્ઞા વશી
ચોતરફ વરસાદ , કોયલની કૂ…ક અને બે જણ – એક છત્તરમાં કેટલી કોરી ક્ષણો વીતે ? વીજળીનાં ચમકારા સમ ભીની ભીની લાગણીઓ પણ ચમકી જ જાયને… !! જિંદગી જીવવામાં વરસાદ ‘ધોવાય’ જાય છે પણ વરસાદમાં જિંદગી ધોવાય તો … ? જિંદગીને માણવાનું યાદ કરાવતી એક ગઝલ…. !
.
