વરસાદમાં : યામિની વ્યાસ
સાવ એકલતા અડે વરસાદમાં,
યાદનાં ફોરાં પડે વરસાદમાં.
યાદ છે, તરબોળ ભીંજાયા હતાં,
બાગના એ બાંકડે વરસાદમાં.
બાળપણમાં કેટલા મોતી ગણ્યા!
થોકડે ને થોકડે વરસાદમાં.
મહેંકતી માટી સમો મહેંકી ઊઠે,
રોટલો પણ તાવડે વરસાદમાં.
ચાંચમાં ટહૂકી લઈ ઝૂમે વિહંગ
નીડ એને ક્યાં જડે ? વરસાદમાં.
ઘર વિચારે, કોણ આ ગાતું હશે?
છાપરે નેવાં દડે વરસાદમાં.
- યામિની વ્યાસ
મિત્રો , આજે વરસાદમાં ભીંજાવાની એક ઓર તક મળી, એટલે કે , એ જ રદીફ પર આજે ૧૪મી ગઝલ … ! કોણ જાણે કેમ પણ વરસાદમાં એકલાં પલળવાની ( ભીંજાવાની ) મજા તો ન જ આવે અને એકલતા અનુભવાય. પછી તો બસ…. વરસાદનાં એક-એક ફોરાંમાં એક પછી એક પાણીનાં ટીપાંને બદલે યાદ જ ટપકતી જાય. યાદ પછી પ્રિયજનની હોય કે બાળપણની … તો ભીની ભીની માટીની મ્હેંક અને તાવડી પર શેકાતાં રોટલાની મીઠી સોડમ આપણને સ્મૃતિનિદ્રામાંથી જાગૃત કરી, ઘરનાં દડતાં નેવાંનું સંગીત સાંભળવા મજબૂર પણ કરી દે છે.
.

યામિનીબેનની સરસ મઝાની વરસાદી ગઝલ ગમી ગઈ.
સરસ વરસાદી ગઝલ!
સુધીર પટેલ.
શું સરસ લખે છે આ છોકરી ! કયા શેર વખાણું-કયા છોડી દઊં ? વાહ વાહ.
સરસ પસંદગી પિન્કીજેી તમ્ને પણ અભિનંદન.
શ્રીમતી યામિનીબેન વ્યાસ સુરતના, મારા પરીચિત કવિયત્રિ હોવાથી એમને સુરતમા સહિત્ય સકુંલના હોલમા સામ્ભળ્યા છે, આજે એમની નવી કવિતા માણવા મળી છે, આનદ થયો, શ્રીમતી વ્યાસને અભિનદન અને આપનો આભાર………………….
વરસાદી ગઝલ …વાહ વાહ
અભિનદન યામિની