વરસાદમાં : રઈશ મનીઆર

 

મત્ત છે વાતાવરણ વરસાદમાં,
યુગ, સદી, દિવસો ને ક્ષણ વરસાદમાં.

મનને શું કરવું કઠણ વરસાદમાં ?
તું ત્યજી દે આવરણ વરસાદમાં.

કંઈ પુરાણા બંધ તૂટતા જાય છે,
કંઈ નવા ફૂટે ઝરણ વરસાદમાં.

ઉચ્ચતા ખુદની ત્યજીને આખરે,
નભ ધરાનું લ્યે શરણ વરસાદમાં.

મન કરે તો મન મૂકી ભીંજાઈ જા,
આમ ટીપાંઓ ન ગણ વરસાદમાં !

હું ઉકેલું છું આ વાદળની લિપિ,
ના ! નથી રહેવું અભણ વરસાદમાં.

લ્યો, ફરીથી આ વખત પણ જઈ મળ્યાં-
અશ્રુબિંદુ બે કે ત્રણ વરસાદમાં.

મેઘ મૂશળધાર અંદર ને બહાર,
યાદ આવે એક જણ વરસાદમાં.

- રઈશ મનીઆર

 

વરસાદમાં અભણ રહેવું કેમ પોષાય- વાદળની લિપિ ઉકેલાય છે ને ?   આજે તો નભ પણ ઝૂકી ધરાનાં શરણમાં આવ્યું છે ક્યાં સુધી ટીપાં ગણશો વરસાદમાં… ?!!

 

 


2 Comments to “વરસાદમાં : રઈશ મનીઆર”

  1. Sandhya Bhatt says:

    વરસાદમાં વાંચવી ગમે એવી ગઝલ.

  2. jay says:

    ત્રિજો,પાન્ચમો,સાતમો………આ શેરો ખુબ જ સરસ !
    અને sixth…..તો, અદ્ભુત,અદ્ભુત !!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME