વરસાદમાં : સુધીર પટેલ

 

ક્યાંય ના ધિક્કાર છે વરસાદમાં,
પ્યાર બસ ચિક્કાર છે વરસાદમાં.

પ્યાસનો સ્વીકાર છે વરસાદમાં,
તોષનો વિસ્તાર છે વરસાદમાં !

ધરતી માથાબોળ નાહી નીતરે,
એ જ તો શૃંગાર છે વરસાદમાં !

સૌના ચ્હેરા પર ખુશી રેલાય ગૈ,
એક છૂપો ફનકાર છે વરસાદમાં.

જિંદગીભર ચાલશે એક બુંદ પણ,
એટલો શ્રીકાર છે વરસાદમાં.

છત નીચે ઊભી, ગઝલ ના લખ ‘સુધીર’
કૈં ગઝલનો સાર છે વરસાદમાં !

- સુધીર પટેલ

 

Last but not least … ગઝલ ‘વરસાદમાં…’  બારમાસી કોરપને ભીંજવે તેવો શ્રીકાર વરસાદનાં એક ટીપાંમાં છે. હર્ષદ ચંદારાણા કહે છે એમ – બરાબર એક સોનામ્હોર જેવો એક છાંટો છે. તો આવી કૈં ગઝલનો સાર  સોનામ્હોરો જેવા વરસાદમાં જ માણીએ તો .. ?  ચોમાસું તો બારમાસું ના કરી શકાય – પણ એક જ રદ્દીફની બાર ગઝલો માણીને બારમાસી કોરપ તો જરુર ભીંજાય જ .. !! બાર ગઝલોમાં પ્રજ્ઞા વશી, અદી મિરઝા અને સુધીર પટેલની ગઝલો માટે અનુક્રમે ઊર્મિ, દક્ષેશભાઈ અને પ્રવિણભાઈનો આભાર.    અને કાલથી ના… વરસાદ નહીં.. પૂર આવી જાય હવે તો ?  પણ બસ ઝાપટું આવી જશે ક્યારેક ક્યારેક ….. !!

 

 


7 Comments to “વરસાદમાં : સુધીર પટેલ”

  1. સુધીરભાઈ ,

    ખરેખર વરસાદમાં ભીંજાવાની મજા પડી ગઈ

    અમિત ત્રિવેદી

  2. વાહ..
    ‘વરસાદમાં’ રદીફવાળી બધીયે ગઝલો વાંચતાં હૈયું ભીંજાઈ ગયું. પિંકીબેન તમે તો સૌને ભીંજવવાનું સરસ–સફળ કાર્ય કર્યું. અભિનંદન.

  3. Rakesh Thakkar, Vapi says:

    સુધીરભાઇની આ ગઝલ જ્યારે પણ માણી છે ત્યારે હૈયાથી ભીંજવાય છે. વરસાદના ટાણે આ ગઝલ દિલમાં શ્રીકાર વરસાદ કરી દે છે..

  4. સુંદર રચના…

    એક જ દિવસમાં બાર ગઝલ !!! પિન્કીબેન, તમે તો વાચકોની આકરી કસોટી કરી.. ખેર, લગભગ બધી જ ગઝલો સુંદર છે, તમે કહો છો એવી, ટકોરાબંધ !!!

  5. Pinki says:

    એક જ રદ્દીફમાં બધી ગઝલો આટલી સરસ…
    તો કોઈને અન્યાય કેવી રીતે કરાય ?!!

  6. sudhir Patel says:

    એક જ સરખા રદીફ ‘વરસાદમાં’ પરંતુ દરેકના અલગ કાફીયા અને આગવી રજૂઆત કરતી બાર બાર ગઝલોની પસંદગી અને એક જ દિવસમાં મૂકવાની કમાલ બદલ આભાર!
    ખરા અર્થમાં ચોમાસાને બારમાસું કરી બતાવ્યું !
    સુધીર પટેલ.

  7. પિન્કી બહેન, તમે તો વરસાદની ઝડીઓની જેમ ગઝલોનું સંકલન કરીને તૂટી પડ્યા છો, આનંદ થયો.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME