કબૂતર : રાજેન્દ્ર પટેલ

 

kabutar

કબૂતરનું પીંછું

કબૂતર થવા મથે છે

તેથી એ ઊડવાનું ભૂલી ગયું છે.

અજવાળાનું કૂંડાળું તેની આંખમાં ઘૂમરાય

તોય એની પાંખમાં સંચાર થતો નથી. 

ઝાડની કોઈ અજાણી ડાળે બેઠું

છે નિરાંતે….

ડાળ, થડ કે ફૂલ વિષે

એને કશી પડી નથી. 

એ બસ

બારીના પડછાયાને માણવામાં રત

ભૂલી ગયું છે

આખું વન.

ઠરી ગયું છે

અડધું અંગ અને

અડધું મન.

એ ઊડી શકતું નથી

એની એને ખબર નથી.

 

* * * * *

 

કબૂતરને

ચાંચ છે, નખ છે

છતાં એ

હિંસક વિચારો કરતું નથી.

એને પાંખો છે

છતાં વિખેરતું નથી દૃશ્ય.

ઊંઘતા આંખ બંધ કરતું નથી.

તે ઘૂ.. ઘૂ… કરતાં કરતાં

પ્રત્યેક ક્ષણને આવકારે છે.

 

* * * * *

 

કબૂતર કાલે હતું 

આજે છે

કાલે પણ હશે

તેવું બારી સતત કહ્યા કરે છે.

 

* * * * *

 

બારી અને કબૂતર

એકબીજાને

જોતાં-જોતાં

આકાશ થઈ જાય છે

અને બંને અજાણી બારી શોધે છે.

- રાજેન્દ્ર પટેલ

 

કબૂતર તો શાંતિનું પ્રતિક છે પણ જ્યારે રાજેન્દ્ર અંકલ કબૂતર-કાવ્યો લખે છે ત્યારે તે માત્ર શાંતિ-દૂત તરીકે સીમિત નથી રહેતું.  ક્યારેક તે મનુષ્યનાં પ્રતિક રુપે છે તો ક્યારેક મનુષ્યનાં મન રુપે, તો ક્યારેક આત્મા રુપે… !!   પહેલી રચનામાં પીંછું કબૂતર બનવા માગે છે - તે તો જાણે બારીના પડછાયા જોઈ બારીને પેલે પાર જોવા જેવું.   જોકે, તેમ કહી કવિ પામર માનવીને જ ચેતવે છે.  વળી,  બીજી રચના કબૂતરનાં અંગો કરતાં આપણાં નખ અને મોં કે આપણી અન્યની પાંખ કાપવાની વૃત્તિનું ચિત્રણ  નથી લાગતું…. ?!!   આંખ ખુલ્લી રાખી સૂતાં કબૂતરોનું ઘૂ.. ઘૂ… ઘૂ  આપણને પણ જાગૃત કરી દે છે. જો મનની બારી ખુલ્લી હશે તો આશાના દ્વાર આપણા માટે ખુલ્લાં જ છે અને દરેક રસ્તો દરવાજાની બહાર નીકળ્યા પછી જ મળે.   જલન માતરી તો કહે છે,
” હું પકડીને એની પાંખો જ કાપી લઈશ,
કોઈ ગઝલમાં કબૂતર ઉડાડી તો જુએ.”    -  જોકે, રાજેન્દ્ર અંકલ તો કબૂતરકાવ્યોનું પુસ્તક તૈયાર કરી રહ્યાં છે.  વળી, ભાગ્યેશ અંકલ તે કાવ્યો વિષે ગદ્ય નિબંધ પણ લખે છે અને પુસ્તક પ્રકાશિત થતાં જ તે અંગે આપ સૌને માહિતી આપીશ.

 

 

.


the attachments to this post:

kabutar
kabutar


4 Comments to “કબૂતર : રાજેન્દ્ર પટેલ”

  1. Tejas Shah says:

    સરસ કલ્પન!

  2. Lata Hirani says:

    અરે વાહ, રાજેન્દ્રભાઇના કાવ્યો અહીઁ વાંચવાની મજા પડી..

  3. Maheshchandra Naik says:

    સરસ કબુતર અન્ગેની વાત, આભાર

  4. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

    કબૂતર જા જા જા
    કબૂતરે લીધી રજા

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME