અંદર અંદર : વિનોદ જોશી

 

ફાંસ જરા શી વાગી ગઇને વાંસ જેવડું ખટકે કંઇ અંદર અંદર.
પરબારું લે હડી કાઢતું હાંફી જઇને અટકે છે કંઇ અંદર અંદર.
 
મોરપિચ્છને બોલ હતું ક્યાં ભાન કે રાધા સાન કરી છેતરશે એને,
ભરચોમાસે હવે રઝળતા ટહુકા જેવું ભટકે છે કંઇ અંદર અંદર.
 
ધૂળમાં ચકલી ન્હાયને એને થાય કે આલ્લે દરિયા દરિયા ઉમટ્યા છે કંઇ,
પછી હવાથી ડિલ લૂછીને છટકે એવું કંઇ છટકે છે કંઇ અંદર અંદર.
 
રાજકુમારી હિંડોળામાં ઝૂલે રે, કાંઇ તૂટે ઘરનો મોભ સામટો,
કહું છુ મારા સમ,જરા શી ઠેસ વાગતાં બટકે છે કંઇ અંદર અંદર.
 
બારસાખમાં આસોપાલવ કોક બનીને મ્હોરે શ્રીફળ પછી વધેરો,
લખી લાભ ને શુભ ઉઘાડી સાંકળ થઇને લટકે છે કંઇ અંદર અંદર.

- વિનોદ જોશી

 

જરા શી વાત પણ અંદર તો ખટકે કંઈ કેટલુંય …   અને અંદરઅંદર ખટકતું શું તેની તો ખબર પણ ન હોય. બસ જાણે કે ફાંસ વાગી હોય અને દરદ તો ‘પોલા’ વાંસ જેવું.   અંદરઅંદર ભટકતા, ખટકતા તો આપણને બટકાવતા ને અટકાવતા દર્દને વિનોદ જોશીના શબ્દોમાં જાણીએ.  જોકે,  આજે તેમનાં જન્મદિને શુભેચ્છા આપવાનું ના ભૂલી જતાં.  વૅબમહેફિલ અને તેના સૌ વાચકો તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

 

 

.


14 Comments to “અંદર અંદર : વિનોદ જોશી”

  1. વાહ પિન્કીબેન….
    સુંદર”ગાણું”શોધી લાવ્યા છો હો..!
    શ્રી વિનોદ જોશીના આ જ નહીં કોઇપણ ગીત વિષે આપણાથી માત્ર અભિનંદન કે વાહ ના ઉદગાર સિવાય કંઈ યોજવું કે પ્રયોજવું,સૂરજને આયનો ધરવા જેવું જ લાગે!
    જુગજુગ જીઓ…ગીત અને ગીતકાર બન્ને…..

    Pinki : very true Maheshuncle !!

  2. વારંવાર ગાયા જ કરીએ એવી ગીત-ગઝલ. વિનોદ જોશીના કલ્પનો એટલે સમંદરના એક પછી એક એવા અવિરત મોજા.

  3. Maheshchandra Naik says:

    જન્માષ્ટમીના પર્વ પ્રસંગે મોરપિચ્છને, રાધાને,વાંસને, ચકલીને, યાદ કરાવવાથી કીશનનુ સ્મરણ વિના કેમ રહેવાય, ખુબ અભિનદન, સરસ ગીત લઈ આવ્યા, આભાર…………….

  4. આ ગીત છે કે ગીતનુમા ગઝલ? અહીં શેર છે, મત્લા છે, છંદ છે, કાફિયા છે અને રદીફ પણ છે.

    હા… એ વાત સાચી કે ગીતકાર ગઝલ લખે તો એમાં પણ ગીત જ વહેતું અનુભવાય…

    કવિ શ્રીને જન્મદિવસની હાર્દિક શુભમકામનાઓ…

  5. Ch@ndr@ says:

    તમારા સુન્દર ગિતની પ્રસનસા કરવા માટૅ કોઇ શબ્દ નથિ…
    અતિ સુન્દર્

    ચન્દ્રા

  6. Harnish Jani says:

    વિનોદભાઇએ જલસો કરાવી દીધો-મારા પ્રિય કવિ છે.વધારે શું કહેવું?

  7. Pinki says:

    મત્લા, રદીફ, કાફિયા તો સમજાયા, પણ છંદ વિષે ?!

  8. ગાગાગાગા ના પાંચ આવર્તનો વાળો ૪૦ માત્રાનો માત્રામેળ છંદ.

  9. jaysukh talavia says:

    વિનોદભાઇને ૧૦૫ વરસ થાય અને તેમનુ કવન-કર્મ કરતા રહે તેવિ શુભેછા
    માત્રુભુમિનો કવિ એટલે ગમતિલો કવિ.
    ફાંસ જરા શી વાગી ગઇને વાંસ જેવડું ખટકે કંઇ અંદર અંદર.
    કેવિ જબ્બરિ વાત !

  10. Mahendrakumar Narsana says:

    બધુ અન્દેર અન્દેર કૈ નહિ બહાર્ બહાર્?

  11. sudhir Patel says:

    ભાવનગરના પ્રિય કવિ-મિત્ર વિનોદ જોશીની સુંદર ગીતનુમા ગઝલ! ફરી ફરી માણવાની મજા આવે એવી.
    કવિને જન્મ-દિવસની હાર્દિક શુભેચ્છાઓ!
    સુધીર પટેલ.

  12. preetam lakhlani says:

    ગઈ કાલે મે અને અશરફ ડબાવાલા એ વિનોદ ને અનાયસે યાદ કરી ૫૫ મા વરસમા પ્રવેશેલા કવિનો જન્મ દિન કાવ્ય ઉત્સવ તરીકે મારા ધરે મનાવ્યો…કવિયત્રી મધુમતી મહેતા સાથે…

  13. Lata Hirani says:

    કવિને જન્મ દિવસ હોય ? એ તો રોજ નવો અવતાર લે..

    કેટલા વરસો પહેલાં આ ગીત હું સુધીરભાઇ ખાંડેકર પાસેથી ગાતાં શીખી હતી…

    ફરી મનમાં ઝરણું ફૂટી નીકળ્યું..

    થેંક્યુ પિંકી..

  14. Nipurna Shah says:

    i like this link

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME