તમારા અહીં આજ : ‘ગની’ દહીંવાલા

 

તમારા અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝૂકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે, કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર, તમારાં નયનની અસર થૈ ગઈ છે.

બધી રાત લોહીનું પાણી કરીને, બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની, બધાં સાધનોથી સભર થૈ ગઈ છે.

હરીફો ય મેદાન છોડી ગયા છે, નિહાળીને કીકી  તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા, ભ્રમર – ડંખથી બેફિકર થૈ ગઇ છે.

પરિમલની સાથે ગળે હાથ નાખી, કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ, પુરાણા મલાજાથી પર થૈ ગઈ છે.

ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે, વિધાતાથી કોઇ કસર થૈ ગઈ છે.

‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું, કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને, ઘણી જન્નતોમાં સફર થૈ ગઈ છે.

- ગની દહીંવાલા

 

ગયા વર્ષે, વૅબમહેફિલ પર આપણે ગની જન્મશતાબ્દી વર્ષે   તેમની એક પ્રખ્યાત ગઝલ ‘દિવસો જુદાઈના’ – નો અંગ્રેજીમાં અનુવાદ માણેલો.  આજે તેમના જન્મદિને ફરી માણીએ એવી જ બીજી એક પ્રખ્યાત ગઝલ – કે જેનો પહેલો શેર દરેક જણે પોતાની માશૂકાને કહ્યો જ હશે. સનમના ખયાલ માત્રથી જ દિલ બાગ બાગ થઈ જતું હોય તો તેનાં આગમનથી તો ચમન પણ બાગ બાગ થઈ જાયને … !  સનમનાં કેફમાં આશિકની કેફિયત… કંઇક આવી જ હોય.  શરમાતી સનમ જાણે કે પાંદડીઓનાં પડદે કળી-  તો પવન સુવાસની સાથે મળી સનમની છેડતી કરવાનું કેમ ચૂકે ?!!  સાચે જ તેમની કલ્પનાનાં જગતની ઇર્ષ્યા આવે પણ જન્નતની પણ કેવી સફર થૈ ગઈને …… !!  ( ઑડિયો )

 

 

.


7 Comments to “તમારા અહીં આજ : ‘ગની’ દહીંવાલા”

  1. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

    નામ ‘ગનીભાઈ’ અને ગઝલો ગીની જેવી ટન ટના ટન.

  2. sudhir Patel says:

    ગની ચાચાની સદાબહાર ગઝલોમાંની એક ! માણવાની ફરી મજા પડી.
    સુધીર પટેલ.

  3. Jay says:

    સુંદર ગઝલ —

    ‘હું શોધું છું મારા અસ્તિત્વને દૂર દૂર
    મને ખબર છે કે એ અસ્તિત્વ’નું અસ્તિત્વ છે ખરૂં
    પણ મને ખબર નથી કે એનો
    પ્રત્યક્ષ અનુભવ ફરી કરી શકીશ કે નહિ.
    એને માણું છું દૂર રહીને
    ‘કલ્પના’ અને ‘વાસ્તવિક્તા’થી પેલે પાર
    પણ ‘કલ્પના’માં જ અનુભવું છું
    ‘અસ્તિત્વ’ની વાસ્તવિકતાને
    ‘…બંસીનાદ પરથી

  4. sapana says:

    ગનીભાઈની ઉત્તમ ગઝલમાંની એક.મજા આવી.
    સપના

  5. ઉત્તમ ગઝલ… એકેએક શેર પાણીદાર થયા છે…

  6. Lata Hirani says:

    સદાબહાર ગઝલ..

  7. sadhna zalariya says:

    ઉતમ

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME