જાગને જાદવા : નરસિંહ મહેતા
જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કુણ જાશે ?
ત્રણસેં ને સાંઠ ગોવાળ ટોળે મળ્યાં, વડો રે ગોવાળિયો કુણ થાશે ? – જાગને.
દહીંતણાં દૈથરાં, ઘી તણાં ઘેબરાં, કઢિયેલ દૂધ તે કુણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો, ભૂમિનો ભાર તે કુણ વહેશે ? – જાગને.
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં, મધુરી શી મોરલી કુણ વાહશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે, બૂડતાં બાંહેડી કુણ સાહશે ? - જાગને.
- નરસિંહ મહેતા
નરસૈંયાનાં પરભાતિયાંએ ગુજરાતી સાહિત્યનું પ્રભાત ઊગ્યું અને આજે પાંચ-છ સદી પછી પંણ, પ્રભાતિયાં હજુ પણ લોકહ્રદયે બિરાજમાન છે. આશ્ચર્ય થશે, પણ હજુ પણ અમારા વિસ્તારમાં એક મહારાજ પ્રભાતફેરી માટે આવે છે ( મહિનામાં એકાદ-બે વાર , પછી દક્ષિણા લઈને બીજા મહિને ) પણ જે દિવસે આવે તે દિ’ સારો તો ઊગે જ … કેવો જાય એ તો .. ?!!
જે આપણને જગાડે તેનેય જગાડવો પડે ?!! ઈશ્વર તો જાગતો જ હોય તેને જગાડવો ના પડે… છતાં નરસૈંયો કૃષ્ણને જશોદાની જેમ લાડથી જગાડે છે અને કહે છે, જાગને જાદવા.. ! જેનો આતમ જાગેલો, તેવો નરસૈંયો આવું કેમ ગાય ? દુન્યવી વાસ્તવિકતા કોઇક વાર એટલી કડવી લાગે કે, એવું જ થાય… અરે, ઈશ્વર સૂઈ ગયો છે કે શું ? એમ પણ થઈ જાય કે ના.. ના… ઈશ્વર છે જ નહિં ક્યાંય. જોકે, પરોક્ષ રીતે, ત્રણસેં ને સાંઠ ગોવાળિયાની વાત કરીને આખું વર્ષ હર ક્ષણ આપણને જ જાગતા રાખવાની વાત કરી જ દે છે.
શબ્દાર્થ : કુણ – કોણ, વાહશે – વહેવડાવશે, સાહવું – પકડવું , બાંહે – હાથ, કર.
.

અમારા ફ્લેટમાં પણ ઘણી વાર પ્રભાતફેરીવાળા આવે છે અને સવારમાં લલકારે છે, ‘અબ રૈન કહાં જો સોવત હૈ’. એટલું સારું લાગે છે ને! પ્રભાતિયા મૂકીને તમે પૂરો થવા આવેલો દિવસ પણ સુધારી નાખ્યો. શબ્દાર્થ મૂકીને ઘણા જૂનું ગુજરાતી નહીં જાણતા લોકો પર ઉપકાર કર્યો.
‘ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે વળ્યા’
કોઈ આનો અર્થ સમજાવશે?
આદ્યકવિ નરસિંહ મેહતાનું ઝૂલણા છંદમાં લખાયેલ પ્રભાતિયું સાંભળી તન, મન અને હૃદય ન ડોલે તો જ નવાઈ!
સુધીર પટેલ.
@ Pravinuncle,
ત્રણસેં ને સાંઠ ગોવાળ ટોળે વળ્યાં, વડો રે ગોવાળ કોણ થાશે ?
એક વર્ષમાં ત્રણસોને સાઇઠ દિવસો હોય છે અને દિવસ ઊગતાં જ આપણને ટોળે વળે છે આપણી જવાબદારીઓ. આપણી દોરી તો એના હાથમાં જ રહેલી છે અને એ જ સૂતો રહ્યો તો આપણને કોણ દોરશે ? ( એટલે કે, વડો ગોવાળ કોણ થશે ?)
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો, ભૂમિનો ભાર તે કુણ વહેશે ? – આગળની પંક્તિમાં કવિએ પ્રભુની બાળલીલાનું વર્ણન કર્યું છે, તો બીજી પંક્તિમાં કાળીનાગને નાથીને અનિષ્ટ તત્ત્વનો નાશ કર્યો તેમ કહે છે. ભાગવતમાં ગજેન્દ્રમોક્ષની વાત આવે છે, જેમાં વિષ્ણુ હાથીને મુશ્કેલીમાંથી બચાવે છે, તેનો સંદર્ભ લઈ કવિ ઈશ્વરને કહે છે, જો તું સૂતો તો ભક્તને સહાય કોણ કરશે ?
સુંદર કાવ્ય… કાવ્યત્વથી ભરપૂર…
અદ્ભૂત. મને ખૂબ પ્રિય પ્રભાતીપદ.
ગુજરાતી શાળામા ભણતો હતો ત્યારે મોઢે જોયા વગર બોલવા માટે ગોખેલી આજે પણ યાદ છે અને ફરી એ બધી યાદ તાજી કરાવવા બદલ આપનો આભાર અને નરસિંહ મહેતા તો ભક્તિ-પદો માટે ગુજરાતીઓ માટે સદાકાળ ગુન્જતા રહેશે….એમને આપણા નમન….
જીવન મા જાગવા નુ મન થાય એવુ અદભુત કાવ્ય….