દૂધમાં સાકર : ઉમાશંકર જોશી

 

pateti

( નવરોઝ મુબારક )

સૌ પારસી પૂજક અગ્નિના જે,
ઈરાન છોડે, નિજ ધર્મ કાજે;

સમુદ્ર ખેડી, ગુજરાત આંગણે,
સંજાણ આવી, નિજ ભૂમિ આ ગણે.

સંજાણનો જેહ સુજાણ રાણો,
તેની કને દૂત વદંત શાણો;

છીએ વિદેશી, વસવાટ આપો,
ધર્મી જનોનું, નૃપ દુઃખ કાપો !

રાણો વિચારે તસુ ભોંય છે ના,
વસી નવી કો વસતી શકે ના.

કહ્યું દઈ દૂધ-ભરેલ પ્યાલો,
કહેજે ગુરુને અમ ભેટ આ લો !

દૂતે જઈ પાત્ર દીધું છલોછલ,
જોઈ વિમાસે ગુરુ શાંત નિશ્ચલ.

ઘડી પછી સાકર થોડી લીધી,
ભરી ભરી મૂઠી, ઉમેરી દીધી.

ને પાત્ર એ દૂધનું દૂત સાથે,
પ્હોંચાડ્યું પાછું તહીં ભૂપ-હાથે.

જોયું નૃપે બિંદુ તૃણેથી ચાખી :
રે દૂધમાં સાકર છે શું નાંખી ?

જા દૂત, તારા ગુરુને કહેજે,
થશે તમારો વસવાટ સ્હેજે.

છે દૂધમાં સાકર આ સમાઈ,
એવા જ રહેજો બની ભાઈ ભાઈ.

છો ગોર, છો ધીર, ગંભીર, વીર,
મા-ભૂમિનું નીવડશો જ હીર.

વર્ષો હજારેક પછી વહી ગયાં,
છે પારસી ગુર્જરી-હીર થૈ રહ્યાં.

- ઉમાશંકર જોશી

 

પર્શિયનવાસીઓ તેમનો ધર્મ સંકટમાં આવતાં, ગુજરાતનાં સંજાણ બંદરે આવી, રાણા પાસે ભારતમાં રહેવાની પરવાનગી માંગે છે.  આગળ શું થયું આપણે સૌ જાણીએ જ છીએ … પણ તે જ વાતને માણીએ ઉમાશંકર જોશીની કલમે.  આપ સૌ મિત્રોને નવરોઝ મુબારક.

 

શબ્દાર્થ : નવરોઝ  (પર્શિયન) –  નવો દિવસ

 

.


the attachments to this post:

pateti
pateti


10 Comments to “દૂધમાં સાકર : ઉમાશંકર જોશી”

  1. Lata Hirani says:

    કાવ્યોની પસઁદગીનું તમારું ફલક બહુ વિશાળ ચ્હે.. સરસ્..

  2. સૌ પારસીબંધુઓને સાલ મુબારક…

    મને મારા શાળાજીવનનાં દિવસો યાદ આવી ગયાં… ૮ વર્ષો સુધી પારસી શાળામાં ભણ્યો ત્યારે આ સમયગાળામાં પતેતી/નવરોઝ ની એક અઠવાડીયાની રજાઓ મળતી… !! :)

  3. સુંદર ગીત શોધી લાવ્યાં તમે !!

  4. ઉપજાતી/મિશ્રોપજાતી છંદમાં. દૂધમાં સાકર જેવું સ્વાદિષ્ટ કાવ્ય.

  5. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

    પૂછો આજેઃ”પારસીની જાત કઈ?”
    છે’ગુજરાત’સિવાય બીજું કાંઈ?
    કહો દુનિયાને શીખે આનાંથી કંઈ.
    ઓગળી જાવ દૂધમાં સાકર થઈ.

  6. vishwadeep says:

    સુંદર કવિતા પસંદ કરી ..પીરસી..બદલ આભાર.

  7. Ch@ndr@ says:

    પહેલા સૌ પારસી બન્ધુ ઓ ને સાલમુબાક્
    તમારુ કાવ્ય ખુબજ ગમ્યુ.
    ચન્દ્રા

  8. Harnish Jani says:

    ગજબનું ફાવ્ય શોધી લાવ્યા છો. આભાર.

  9. Maheshchandra Naik says:

    સરસ પસંદગી, પારસી કોમને લાખ લાખ સલામ અને નવા વરસની મુબારક્બાદી……………

  10. સુંદર પ્રાસંગિક કાવ્ય…

    મારું એક મુક્તક યાદ આવી ગયું:

    આ ગઝલ પણ ખરી પારસી નીકળી,
    કાવ્યના દૂધમાં શર્કરા થઈ ભળી;
    દેશ-ભાષા વળોટીને આવી, છતાં,
    ગુર્જરી થઈ ગઈ ગુર્જરીને મળી.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME