વરસાદ : અશોક ચાવડા ‘બેદિલ’

 

આ વખત લાગણીસભર વરસાદ,
આ વખત આંસુઓનું ઘર વરસાદ.

કારણો હોત તો બતાવી દેત,
આંખમાં કારણો વગર વરસાદ.

કોઈ ભીંજાય ક્યાં છે અંદરથી,
શ્હેરમાં હોય છત ઉપર વરસાદ.

ઘરનો સામાન માત્ર ભરવાનો,
પાંપણોમાં ભર્યા ન કર વરસાદ.

‘સ્હેજ રોકાઈ જા’ : તને કીધું,
‘સાવ તાજી હજી કબર’ : વરસાદ.

- અશોક ચાવડા ‘બેદિલ’

 

અડધો શ્રાવણ તો કોરો જ વહી ગયો….  જોકે, અશોકભાઈ કહે છે એમ, વરસાદ હોય તો પણ -  કોઈ ભીંજાય ક્યાં છે અંદરથી, શ્હેરમાં હોય છત ઉપર વરસાદ.  પણ  ’ આ વખત’  તો વરસાદ એટલે, આવું જ કંઈક સમજી મન મનાવવું પડે એવો કમોસમી માવઠાં જેવો વરસાદ વરસ્યો.  હા…  વૅબમહેફિલ પર હજુ ‘વરસાદ’   વરસે છે અને ભીંજાઈ પણ જશો,  કારણકે આજે માણીશું  ‘ વરસાદમાં’ રદીફ પર પંદરમી ગઝલ રાજેન્દ્ર પાઠકની કલમે. ( સાભાર : પ્રવિણભાઈ )

 

 

.


7 Comments to “વરસાદ : અશોક ચાવડા ‘બેદિલ’”

  1. kirankumar chauhan says:

    વાહ અશોક! ત્રીજો અને ચોથો શેર તો અદભુત!

  2. Himmat says:

    ઠીકાઠીક ગઝલ. બધા બ્લોગો પર એક સરખી વરસાદી કવિતાઓનો એટલો મારો થઈ ગયો કે હવે કંટાળો આવે છે.

  3. સુંદર ગઝલ…

  4. sapana says:

    ‘સ્હેજ રોકાઈ જા’ : તને કીધું,
    ‘સાવ તાજી હજી કબર’ : વરસાદ

    સુંદર રચના!
    સપના

  5. જય says:

    વરસાદ અને તે પણ લાગણીસભર — ધરતી સાદ પાડે અને વરસાદ વરસે ત્યારે જરૂર વરસાદ મન મૂકીને વરસે .. આ વર્ષે ચોક્કસ એને કઈક ખોટું લાગ્યું હશે…માનવ પર્યાવરણ અને પ્રકૃતિ બંનેનું ‘વ્યાપારીકરણ’ કરતો હશે એવી મેઘને ખબર પડી ગઈ હશે..

  6. DR.MANOJ L. JOSHI ( JAMNAGAR ) says:

    થૈ અષાઢી ‘અશોક’વરસે છે..શબ્દમાં ન્હાય તર-બતર વરસાદ!!! માણવી ગમે તેવી રચના.

  7. Maheshchandra Naik says:

    સરસ વરસાદી ગઝલ……………

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME