મર્દ તેહનું નામ : નર્મદ
મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે;
કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.
મર્દ તેહનું નામ, ડરે નહિ રણે જવાથી;
હોંશે ચડે તોખાર, ડગે નહિ રિપુ મળ્યાથી.
મર્દ તેહનું નામ, મરે પણ પણ નવ મૂકે;
ધીર ધરી શૂરભેર, તાક્યું નિશાન ન ચૂકે.
મર્દ તેહનું નામ, ચળકતાં શસ્ત્રો જોઈ;
ઊછળી કરતો હાથ, કીર્તિ ઊજળી પર મોહી.
મર્દ તેહનું નામ, રડે નહિ ઘાવ લીધાથી;
પડ્યો પડ્યો પણ કહે, કાઢ શત્રુને અહીંથી.
મર્દ તેહનું નામ, ભોગવે શ્રમે રળેલું;
સિંહ સરીખો તેહ, ખાય નહિ ઘાસ પડેલું.
- નર્મદ
વીર નર્મદનું બિરુદ પામેલ કવિ નર્મદ આ સુંદર લયબદ્ધ કાવ્યમાં શૌર્યરસનું પાન કરાવે છે. તો અંતિમ પંક્તિઓમાં શ્રમ કરીને, કમાવવું જ યોગ્ય છે, તેમ પણ જણાવે છે.
શબ્દાર્થ : સમો - વખત, રિપુ – દુશ્મન, તોખાર – ઘોડો, પણ (પ્રણ) - નિશ્ચય .
.

નર્મદની આગવી શૈલીમાં મર્દની મર્દાનગી ભરી રજૂઆત!
સુધીર પટેલ.
સુંદર પ્રાસંગિક કાવ્ય…
સરસ કાવ્ય, મર્દાનગીનો મહિમા ભાગ્યે જ બીજા કોઈ કાવ્યમા વાંચવા મળતો હોવાનુ જાણ્યુ છે……