યા હોમ કરીને પડો ફતેહ છે આગે : નર્મદ

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે, શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો કહી દિન ગાળે, જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને, તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે, સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

સાહસે કોલંબસ ગયો નવી દુનિયામાં, સાહસે નિપોલિયન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં, સાહસે સ્કાટે દેવું રે વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો, સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર જેમ બહુ લાખો, સાહસે તજી પાખંડ, બ્રહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

- નર્મદ

કવિ નર્મદની આજે જન્મજયંતિ.  ગુજરાતી સાહિત્યનાં પ્રથમ આધુનિક કવિ સાથે વીર નર્મદનુ બિરુદ પણ તેમને મળ્યું.  આજે વીરરસ ધરાવતી તેમની બે રચનાઓ.  આ ગીતને સુરતનાં જ મેહુલ સુરતીએ સ્વરબદ્ધ પણ કર્યું છે. ( ઑડિયો )

પ્રારંભમાં જ કવિ કહે છે, મન તો બ્હાનાં કાઢી, શંકા અને ડર નીપજાવે, પણ ત્યારે મન મક્ક્મ કરી જો ઝંપલાવશો અને સફળતા મળશે તો વધુ સાહસ કરવા પ્રેરણા મળશે અને સિદ્ધિ પણ મળશે. વેદ-પુરાણનાં પાત્રોનાં ઉદાહરણ ટાંક્યાં છે અને સાથે જ નવા જમાનાની નવી વાતો કોલંબસ, નેપોલિયન, સિકંદર કે લ્યૂથરનાં કાર્યોની પણ નોંધ લીધી છે.  સમાજલક્ષી સુધારાઓ દર્શાવતાં સૂચનો પણ વાંચી શકાય છે  જેમકે, જ્ઞાતિભેદ દૂર કરો, પાખંડીઓને તાબે ન થઈ, બ્રહ્મરસને ચાખવાની વાત કરી છે.

શબ્દાર્થ :  હામ – હિંમત,  ગર્દ – ધૂળ,  યૂરપ-યુરોપ,  પરસિધ્ધ (પ્રસિદ્ધ) -  પ્રખ્યાત.

.


3 Comments to “યા હોમ કરીને પડો ફતેહ છે આગે : નર્મદ”

  1. sudhir Patel says:

    વીર કવિ નર્મદને જન્મજ્યંતિ પર યાદ કરવા બદલ અભિનંદન!
    પ્રસિધ્ધ શોર્ય ગીત અને એવું જ સુંદર મેહુલભાઈનું સ્વરાંકન!
    સુધીર પટેલ.

  2. લોહી ગરમ થઈ જાય એવી કવિતા…

  3. Maheshchandra Naik says:

    સરસ કવિતા, પહેલી બે-ચાર પન્ક્તિઓ યાદ હતી પરંતુ આખુ કાવ્ય યાદ અપાવવા બદલ આભાર……કવિ નર્મદને ભાવપુર્વક શ્રધ્ધાંજલી અને સુરતી તરીકે લાખ લાખ સલામ……

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME