અઢી અક્ષરનું ચોમાસું : ભગવતીકુમાર શર્મા

 

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ચાર અક્ષરના મેઘમાં છલબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!
ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!
ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

- ભગવતીકુમાર શર્મા

 

કબીરે ગાયું કે,  ” પોથી પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયો ના કોઈ, ઢાઈ આખર પ્રેમકા, પઢે સો પંડિત હોય.”   ભગવતીદાદા કહે છે, અઢી અક્ષરના પ્રેમનું ચોમાસું હોય તો એમાં બે અક્ષરનાં ‘અમે’  એ જ ધોધમાર વરસવું પડે અને તો અડધા અક્ષરની ખોટ તો સજન પૂરી કરે જ. આ રચનામાં દાદાએ શબ્દોનાં અક્ષર ગણતરીમાં લઈ એક સુંદર લયબદ્ધ ગીત રચ્યું છે.  તો રાસબિહારી દેસાઈએ તેનું સ્વરાંકન પણ સુંદર રીતે કર્યું છે. ( ઑડિયો )

 

શબ્દાર્થ :  વ્રેહ – વિરહ.

 

.


3 Comments to “અઢી અક્ષરનું ચોમાસું : ભગવતીકુમાર શર્મા”

  1. ભગવતીકુમાર શર્માને અભિનંદન પાઠવવા તો મારા હાથ ઘણા નાના પડે છે પણ આનંદ છે કે સુરતની યશકલગીમાં એક છોગું નવું ઉમેરાયું…

  2. Maheshchandra Naik says:

    ડો. વિવેકભાઈએ સાચુ કહ્યુ છે, શ્રી ભગવતીકુમારને અભિનદન પાઠવવા તો અમારા સુરતીઓના હાથ ઘણા નાના પડે છે, પરતું સાહિત્ય-જગતમા ખાસ કરીને સુરતના સાહિત્ય આકાશના સ્વંયપ્રકાશીત એક દેદિપ્યમાન તારલાને ગુજરાતી સાહિત્યના વિશ્વમા એક અલાયદુ ધ્રુવતારક સ્થાન પ્રાપ્ત થયાનો વિશેષ અમને આનદ અને એમને અમારી હાર્દિક શુભકામનાઓ……તમારો આભાર……………..

  3. nilam doshi says:

    ભલે ને બિંદુ છીએ..પણ સપ્તસિંધુથી સંકળાયા છીએ..એનો આનંદ પણ કંઇ ઓછો ન જ હોય. અભિનંદન..બહું નાનો શબ્દ છે.

    પીંકી, તને પણ આ સુંદર ગીત મૂકવા બદલ અભિનંદન….અભિનંદન

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME