પગ મુને ધોવા દ્યો : દુલા ભાયા ‘કાગ’

 

પગ મુને ધોવા દ્યો રઘુરાયજી.
પ્રભુ મુને શક પડ્યો મનમાંય, પગ મુને ધોવા દ્યો રઘુરાયજી.

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાયજી,
નાવ માંગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખાઈ.   પગ મને.

રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાયજી,
તો અમારી રંક-જનની, આજીવિકા ટળી જાય.   પગ મને.

જોઈ ચતુરતા ભીલજનની, જાનકી મુસકાયજી,
અભણ કેવું યાદ રાખે, ભણેલ ભૂલી જાય.   પગ મને.

આ જગતમાં દીનદયાળુ, ગરજ કેવી ગણાયજી,
ઊભા રાખી આપને પછી,પગ પખાળી જાય.   પગ મને.

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાયજી,
પાર ઊતરી પૂછીયું, ‘તમે શું લેશો ઉતરાઈ.’ પગ મને.

નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈજી.
‘કાગ’ લ્યે નહિ ખારવાની, ખારવો ઉતરાઈ. પગ મને.

- દુલા ભાયા ‘કાગ’

 

‘ નાવિક વળતો બોલિયો’  પદની જેમ આ ગીતમાં પણ નાવિક, અહલ્યાની જેમ મારી નાવ પણ નારી બની જશે તેવી વાત રજૂ કરી, રામનાં પગ પખાળવાની ઈચ્છા પૂરી કરે છે. જોકે, આ ગીતમાં તે ભીલ હતો અને તેનું નામ ગુહ હતું તેવો નિર્દેશ પણ છે.

 

 

.


10 Comments to “પગ મુને ધોવા દ્યો : દુલા ભાયા ‘કાગ’”

  1. ગુહ વિશે ભગ્વદ્ગોમંડલ આમ કહે છે:

    શૃંગવેર નામની નગરીનો કિરાત રાજા. તે દશરથ રાજાનો પરમ મિત્ર હતો. વનવાસ વખતે રામ અયોધ્યાથી નીકળી દંડકારણ્યમાં જતાં એક રાત એને ત્યાં રહ્યા હતા. તે વખતે એણે રામનું ફળ, મૂળ વગેરેથી આતિથ્ય કરીને બહુ સેવા ઉઠાવી હતી અને રામને રાત રોક્યા હતા. બીજે દિવસે સવારે તેણે રામને ગંગાને દક્ષિણ તીરે ગંગાપાર ઉતાર્યા હતા. રામ ચિત્રકૂટ પર્વત ઉપર જઇને રહ્યા પછી થોડે દિવસે ભરત મોટું સૈન્ય લઇ રામને પાછા અયોધ્યા લઇ જવા ત્યાં આવ્યો. ગુહરાજને શંકા ઉત્પન્ન થઇ કે ભરત રામનો નાશ કરવા સારૂ આવ્યો છે. તેથી તેણે પોતાની સેના તૈયાર કરી, પરંતુ એને ખબર પડી કે ભરત એવા હેતુથી નહિ પણ રામને ફરી અયોધ્યા પાછા લાવવા જાય છે, તેથી અને ભરતે પ્રાર્થના કર્યા ઉપરથી તેણે એને પણ ગંગાને દક્ષિણ પારે ઉતાર્યા અને ગુહરાજા ભરતની સાથે ચિત્રકૂટ ગયો.

  2. Pinki says:

    આભાર વિવેકભાઈ, ભગવદ્ગોમંડળનાં સંદર્ભ માટે.

    જો કે, આ ગીતમાં ઉલ્લેખ કરેલ ગુહ અને તે ભીલોનો રાજા હોવાની વાતને, બે પુસ્તકમાં પુષ્ટિ મળી. તે ઉપરાંત તમારા પ્રતિભાવ વાંચ્યા પછી ગુજરાતી લેક્સિકોન અને ભગવદ્ગોમંડળમાં જોયું. જેમાં ગુહ – શબ્દનો એક અર્થ (હાલનું ઓરિસ્સા) કલિંગ દેશની નજીકના ભીલ લોકો એવું લખ્યું છે.
    જેનું સાચું નામ ગુહક હોઇ શકે છે. અને તેના વિષે લખ્યું છે કે ગુહક શૃંગવેરપુરનો ‘અનાર્ય’ (?) રાજા હતો. દશરથ રાજાને તેની સાથે મિત્રતા હતી. તે રામનો ભક્ત હતો. વનવાસમાં રામની તેણે બહુ સેવા કરી હતી. જોકે, કિરાત એટલે જ ભીલ. અને તેનો રાજા એટલે કિરાત રાજા…. !!
    કિરાતાર્જુનીયમ્ માં અર્જુન પાશુપત અસ્ત્ર મેળવવા શિવ-ઉપાસના કરે છે અને શિવ ‘કિરાત-ભીલ’ સ્વરુપે તેમની સાથે યુદ્ધ કરે છે.

    શૃંગવેર – રામના મિત્ર ગુહકનું એ નામનું એક શહેર. તે ગંગા નદીના ડાબા કાંઠા ઉપર કોસલની હદ ઉપર આવેલ હતું. (ભગવદ્ગોમંડળ)
    કોસલ – રામનો પુત્ર કુશ અહીંનો રાજા હતો. એની રાજધાની કુશાવતી હતી. (ભગવદ્ગોમંડળ)

    વળી, આ ગીતમાં તો ભીલ અને ગુહ એવું લખ્યું જ છે. અને હમણાં જ મારું ધ્યાન ગયું કે, ઇન્ટરનેટ પરથી લીધેલ આ ચિત્રમાં પણ એક આદિવાસી ( ભીલ ) બેઠેલ દર્શાવ્યો છે.

  3. sudhir patel says:

    રામાયણના અહલ્યાના એક પ્રસંગના આધારે કવિશ્રી દુલા ભાયા કાગે રચેલું સુંદર લોકગીત! વળી, ખારવાની ખારવો ઉતરાઈ લે નહીં એમ કહી સરળ ભાષામાં દાર્શનિક વાત રજૂ કરેલ છે.
    સુધીર પટેલ.

  4. પિન્કી બહેન મારા ખ્યાલ મૂજબ ગુહ રાજા ભીલરાજ હતો.પણ પગ ધોવાની વિનંતી નાવિક કરે છે જેનું નામ કેવટ હતું. અભિવ્યક્તી તો જુઓ !
    ’કાગ’ લ્યે નહીં ખારવાની, ખારવો ઉતરાઇ.
    આપણે ધંધા ભાઇજી, કેવો સંબંધ ! એક ભવસાગર તારે, એક ગંગાપાર કરાવે.

    -અદભૂત

  5. Pinki says:

    @ Dinkar uncle,
    કેવટ એટલે જ નાવિક કે ખલાસી.

  6. સારું જાણવા મળ્યું… ભગ્વદ્ગોમંડલ તો ખજાનો છે ખજાનો…

    આ જ ભાવવાળું એક ભજન અનુપ જલોટાએ ગાયું છે…

  7. preetam lakhlani says:

    પ્રિય પીન્કી,
    તુ ખરે ખર ધણી મહેનત કરે છે બ્લોગ પર સારી કવિતા મુકવા, તારી મ હેનત એક કાબિલે દાદ થી પર છે, પ્રભુ તને સફળતા ના સિખર સર કરવા ખુબ શકતિ આપે!!! એવી પ્રભુ પાસે તન મનથી પ્રાથના…….

  8. Makarand Musale says:

    મજો પડ્યો..!! (ખરેખર તો… “મજો ઉંચકાયો”…એમ હોવું જોઈએ નહીં?)

  9. Pinki says:

    પ્રિય મકરંદભાઈ,

    સાચી વાત છે તમારી…. સમજ ‘પડી’, મજા ‘પડી’… પ્રેમમાં ‘પડ્યા’. કાયમ મને પણ થતું કે, આમાં પડવા જેવું શું છે ? એટલે…. બન્ને રીતે. :)

    પણ આજે તો, વર્ષો જૂની ડિક્ષનરી ફેંદવાની આદતે ક્યાંક પકડાયું કે, પડવાનો એક અર્થ – પ્રગટવું કે નીપજવું પણ થાય છે.

    એટલે કે, સમજ ઉપજી, પ્રેમ પ્રગટ્યો, મજા નીપજી … ?!!

    આપણી ગુજરાતી ભાષા સંસ્કૃત આધારિત છે. મને લાગે છે કે જો દરેક શબ્દના મૂળમાં જઈએ તો- સંસ્કૃતમાં તો , શબ્દ પોતે જ અર્થ હોય છે. તો ગુજરાતી પણ સમજવી સરળ થઈ જાય..! મકરંદ દવે કહે છે, એવું જ કંઈક …..

    શબ્દથી ધ્વનિને પામો
    ધ્વનિમાં અર્થ વિસ્તરો,
    અર્થમાં પ્રગટો જ્યોતિ,
    જ્યોતિ આનંદમાં ઠરો. -મકરંદ દવે.

  10. લોકહૃદયે બિરાજેલું કાવ્ય. કૉમેન્ટસ પણ મજાની.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME