માણસ જેવો માણસ મળશે : ડૉ. મહેશ રાવલ
જ્યાં જોશો ત્યાં આગળ-પાછળ, માણસ જેવો માણસ મળશે.
સપનાં વેચી રળતો અટકળ, માણસ જેવો માણસ મળશે.
હોવાની મબલખ પીડા લઇ, નીકળે ઘરથી ઘરને ખાતર,
મુઠ્ઠીમાં લઇ ચપટી અંજળ, માણસ જેવો માણસ મળશે.
રસ્તો વત્તા પગલાં વત્તા અણધાર્યા જોખમનો ફડકો,
ઉભડક શ્વાસે ઉભડક હરપળ, માણસ જેવો માણસ મળશે.
માનવતા નેવે મૂકીને, રમખાણોમાં ઉઘડે આખો,
ટાણે સાબિત થાતો વ્યંઢળ, માણસ જેવો માણસ મળશે.
ધક્કા દેતો, ધક્કે ચડતો, ધક્કા જેવું હરતો – ફરતો,
ધક્કે ધક્કે વધતો આગળ, માણસ જેવો માણસ મળશે.
લીલ પીળી કળતર વચ્ચે, પરસેવે નીતરતો લથબથ,
મરતાં મરતાં જીવતો કેવળ, માણસ જેવો માણસ મળશે.
માથે ભમતો માણસનો ભય, આંખોમાં તરવરતો કાયમ,
જાસાચિઠ્ઠીનો થઈ કાગળ, માણસ જેવો માણસ મળશે.
- ડૉ. મહેશ રાવલ
મહેશઅંકલનો પણ આજે જન્મદિન…. બસ ‘માણસ’ જેવો જ માણસ સૌ કોઈને અને તેમને પણ મળે …. આપણા સૌ વતી જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…. !!
.

કવિને જ્ન્મદિનની વધાઈ. સરસ રચના.
ઓહ્હ્હ્હ્હ્હ્હ્..જન્મદિવસ મુબારક..મહેશભાઇ….ખૂબ સુન્દર ગઝલ..અભિનંદન..વધાઇ હો વધાઇ…
જન્મ-દિનની વધાઈ સ્વીકારશો.
સરસ ગઝલ!
કવિશ્રીને જન્મ-દિવસના હાર્દિક અભિનંદન!
સુધીર પટેલ.
પ્રિય મહેશભાઈ, અરે વાહ, આજે તમારોય જન્મદિવસ છે!!
જન્મદિવસની મબલખ હાર્દિક શુભેચ્છાઓ…!
તમારા હર સપનાં સાકાર હો, એવી શુભ શુભ શુભકામનાઓ.
માણસ મળે છે જ ક્યાં આજકાલ, સાહેબ ??!!
સુંદર ગઝલ…
વર્ષગાંઠની મબલખ શુભકામનાઓ…
માણસની સરસ ગઝલ.
કવિશ્રીને જન્મદિન મુબારક.
બધા જ કદરદાન મિત્રોનો દિલ-ઓ-જાનથી આભાર અને જન્મદિવસની શુભકામનાઓ બદલ ઋણીભાવ વ્યક્ત કરૂં છું.
વૅબમહેફિલનો ખાસ આભાર,જેના માધ્યમે મારી ઘણી ગઝલો ગુણીજન સુધી પ્હોંચી શકી છે.