કાટ રે ચડેલ કડાં ખર્યાં : મનોજ ખંડેરિયા
કાટ રે ચડેલ કડાં ખર્યાં, કિચૂડાટથી ડહોળાતાં નીર વીત્યા કાળનાં,
ઠેક લેતા અંગૂઠે વેદનાનો કંપ લઈ, પાંદડાં ફરુકે ઝૂકી ડાળનાં.
બારીએથી લીમડાની ડાળ કરી ડોકિયું, ઘરની હવાને લીલી રાખતી,
ધૂંધળા આ દિવસોની હથેળિયું આજ હજી, ફાગણની રાત ઝીલી રાખતી,
પાંપણોની ઓથમાંથી સળવળી ઊઠે ઓલ્યાં, સોણલાં તે સાતમા પાતાળનાં.
સંગમાં ઝૂલ્યાની ફરી વાંસળી ન વાગી તોય, સૂર ભીના વળગ્યાં છે ભીંતમાં,
શબ્દોમાં ખળખળ તે નીરની ઝીલાઈ નહીં, તળિયાનું મૌન ઢળ્યું ગીતમાં,
કાગડાના બોલથી કંઈ ઝબકીને જાગી ઊઠે, ઉમંગ રે પાછલી પરસાળનાં.
- મનોજ ખંડેરિયા
હિંચકે બેસી યાદોની સાંકળે ઝૂલ્યાનું તો બધાંએ અનુભવ્યું હશે. હિંચકાની એક ઠેકે જિંદગીનાં કેટલાંય વર્ષો પાર કરીને પે’લી કો’ર જવાનો આનંદ પણ અનેરો હોય… !! કાટ ચઢેલાં કડાંનો કિચૂડાટ પણ યાદોની સાથે એવો તાલ મિલાવતો હોય જાણે કે, બારીએથી ડોકિયું કરતી લીમડાની ડાળીએ પંખી ટહૂકતું હોય. કવિએ હિંચકે ઝૂલતી યાદોની અનુભૂતિનું એટલું તાદૃશ વર્ણન કર્યું છે કે ગીત વાંચીને પણ હિંચકે ઝૂલતાં હોઇએ તેવો જ અનુભવ થાય … !!
.

આ વાંચીને હિંચકે ઝૂલવાનુ મન થૈ ગયું…
ગીત સારું છે પણ મનોજ્ની ગઝલોની સામે ફીકું પડે.
Pinki : v.true !! he gives us gazals in quality and quantity.
સરસ ગીત.આસ્વાદ વાંચી ફરી વાંચ્યું તો બરાબર સમજાયું
સપના
જયદેવ ભાઈની વાત સાચી છે,મનોજભાઈ નખ શીખ ગઝલ કાર હતા, છતા તેમના પ્રથમ સ્રગ્રહ’અચાનક’મા થોડાક ઉત્તમ કોટીના ગીત વાંચવા મલે છે!!પીનકીની વાત પણ તદન સાચી છે!મનોજનુ આ ગીત ગીત છે ગાયન નથી એનો આનદ પણ કઈ ઓર છે.
Agree with Jaydevbhai. Manojbhai was master of the Gazal!
Sudhir Patel.
હિચંકે ઝુલતા ભુતકાળની યાદોને મમળાવવાનુ બધાના નશીબમાં નથી હોતુ, પરંતુ આનંદ તો જરુર લઈ શકાય છે…….
પહેલી નજરે ઠીકઠીક લાગતું આ ગીત થોડું ઊંડે ઉતરીએ તો ગીત વધુ મનોહર લાગે છે. વાદળાં પછીતે રહેલો સૂર્ય ધીમેથી બહાર આવે એમ આખું ગીત ઉઘાડ પામે છે…
કવિની એક પ્રકારની રચના સાથે બીજા પ્રકારને સરખાવવું મને યોગ્ય લાગતું નથી… આ કૃતિને માત્ર ગીત તરીકે આવાદીએ તો ક્યાંય નિરાશ થવાય એવું લાગતું નથી…
ખેર, આ મારો અંગત અભિપ્રાય છે.
થોડું ગહન અને જુદા અંદાજનું ગીત. મનોજ ખંડેરિયા અને ગીત- થોડું જુદું ચોક્ક્સ લાગે. માણવું ગમ્યું.