ઈશ્વર : સૌમ્ય જોશી
ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
કેવો તું અકસ્માતથી સર્જાય છે ઈશ્વર ?
હેઠા મૂકાશે હાથ ને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.
રહેવાને આવ્યો જ્યારથી હું એના ઘર નજીક,
રસ્તામાં ઘણી વાર મળી જાય છે ઈશ્વર.
દૂર પેલી વસતીમાં ભૂખ્યાં છે ભૂલકાં,
લાગે છે તને દૂરના ચશ્માં ય છે ઈશ્વર.
કે’છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચૌંધથી અંજાય છે ઈશ્વર.
થોડા જગતનાં આંસુઓ, થોડા મરીઝના શેર,
લાવ્યો છું જુદી પ્રાર્થના સંભળાય છે ઈશ્વર ?
એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.
- સૌમ્ય જોશી
સૌમ્ય જોશીની કલમે …. ઈશ્વરને પણ આપણામાં માનવું પડે / જોઈએને ?! ખરેખર ક્યારેક તો છાપરે ચઢીને એની અવ્યવસ્થા પોકારે છે. તે ખરે જ અકસ્માતથી સર્જાઇ ગયો છે કે શું ??! ક્યારેક તો લાગે કે, ર.પા. કહે છે એમ – પથ્થરને પથ્થરની જેમ જ જોયો હોત તો સારું – “ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ, પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ ? ”
.

ખૂબ ગમી આ ગઝલ.
સપના
સુંદર રચના…
really nice one.. !!
સ્વર્ગ અને પૃથ્વીને જોડતી,દૂરતા અને નીકટતાને
એક કરતી સૌમ્ય અને જોશીલી ગઝલ!
સરસ ગઝલ! ફરી અહીં માણવી ગમી.
સુધીર પટેલ.
ઈશ્વરને પડકાર અને પ્રાથના, સરસ વાત કવિશ્રીએ કરી છે…..
લયસ્તરો પર આ ગઝલ મૂકી હતી ત્યારે જે ફૂટનોટ મૂકી હતી એ જ રીપિટ કરવાની ઇચ્છા થાય છે:
ઈશ્વર ઉપર લખાયેલી ઢગલાબંધ કવિતાઓમાં આ ગઝલ એનું અલગ જ પોત લઈને મોખરે પહોંચતી હોય એવું નથી લાગતું ? ભગવાનની આવી સુંદર ધોલાઈ કદી જોઈ છે ખરી ? છ એ છ શે’ર એવા નિપજ્યા છે કે ભગવાન જો ક્યાંય હોય અને આ ગઝલ વાંચી બેસે તો અચૂક હાર્ટ-એટેક આવી જાય…
http://layastaro.com/?p=823
ખુબ સરસ.
અદભુત…અદભુત..ગઝલ.